લાજવાને બદલે ગાજ્યા:17 વર્ષે 20% રીંગરોડ બન્યો, કાગળ પર 297 કરોડ ફાળવ્યા તે માટે CM નું સન્માન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.297 કરોડની માત્ર સૈદ્ધાંતિક મંજૂરી, પ્રક્રિયા અધુરી
  • વર્ષોથી ગોળ ગોળ ફરતા રીંગરોડ ખોરંભે ચડવા પાછળ કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને બદલાતી એજન્સીઓ તેમજ એલાઈમેન્ટ જવાબદાર

ભાવનગર શહેરના વિકાસ માટે અતિ આવશ્યક એવા રીંગ રોડની શાસકો અને સરકારે જરાય દરકાર નહીં કરતા રીંગરોડના પ્રોજેક્ટને 17 વર્ષ જેવો સમય વીતી ગયો છે. અને હાલમાં ફુલ રીંગરોડના પ્રોજેક્ટ પૈકી માત્ર 20 ટકા જેટલો પૂર્ણ થયો છે. સરકાર દ્વારા રીંગરોડ માટે રૂપિયા 297 કરોડની જાહેરાત થઇ છે ફાળવણી હજુ બાકી છે. છતાં અતિ મહત્વના પ્રોજેક્ટમાં વર્ષોની બેદરકારી પર લાજવાના બદલે શાસકો ગાજી રહ્યા હોય તેમ આગામી છઠ્ઠી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીનું સન્માન પણ કરશે.

ભાવનગર શહેર ફરતે રીંગરોડ બનાવવાની વાતો વર્ષોથી ચાલતી આવી છે. ઘણીવાર તો ચૂંટણીલક્ષી મુદ્દો પણ રીંગ રોડ બન્યો છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, રિંગ રોડના કામમાં વારંવાર ફેરવાતી નોડલ એજન્સી, સરકારની અનિયમિત ગ્રાન્ટ ફાળવણી અને રાજકીય કાવાદાવાને કારણે રિંગરોડ અધુરો જ રહ્યો છે. છેલ્લા 17 વર્ષથી માત્ર 8 કિલોમીટર જ રસ્તો બન્યો છે. અને બાકી 31 કિલોમીટર માટે છેલ્લા બે વર્ષથી ગ્રાન્ટ ફાળવણીની પ્રક્રિયા શરૂ છે અને થોડા સમય પૂર્વે મુખ્યમંત્રી રીંગરોડ માટે રૂ. 297 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. રોડ માટે 297 કરોડ ફાળવવાની તમામ પ્રક્રિયા હજુ બાકી છે. જાહેરાત કર્યાને પણ લાંબો સમય વીત્યો છે. પરંતુ ફાળવણીની પ્રક્રિયા હજુ અધૂરી છે.

બિસ્માર બની ગયેલા રીંગરોડને કારણે લોકો હેરાન પરેશાન છે. છતાં કોન્ટ્રાક્ટર પાસેથી તાત્કાલિક કામગીરી કરાવવાને બદલે ભાજપ દ્વારા માત્ર 297 કરોડની જાહેરાતથી હરખાઈ જઈ આગામી છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવશે.

સમયમર્યાદા પૂર્ણ થવામાં, થયુ તે કામ પણ નબળુ
ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી કોઇ ઉલ્લેખનીય પ્રોજેકટ પરીપૂર્ણ થયો નથી એમા પણ રીંગરોડ પ્રોજેકટની તો એટલી ખરાબ અવદશા છે કે છેલ્લા 17 વર્ષથી લટકી રહ્યો છે અને તેમાં પણ આગામી નજીકના સમયમાં જ રીંગરોડની સમય મર્યાદા પણ પૂર્ણ થવામાં છે ત્યારે માત્ર 20 ટકા જ કામગીરી થઇ છે. તે પણ નબળી ગુણવત્તાની.

અન્ય સમાચારો પણ છે...