ચૂંટણી જંગ:ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં રાજ્યના સૌથી ગરીબ 10 ઉમેદવારોમાં 2 ભાવનગરના

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૈસાદાર ઉમેદવારોમાં પરશોત્તમભાઇ 10માં ક્રમે
  • ભાવનગર પશ્ચિમના ઉમેદવાર જયાબહેન બોરીચાની કુલ મિલકત રૂ.3 હજાર, સવિતાબહેનની મિલકત 12 હજાર

તા.1 ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે પ્રથમ તબક્કામાં ગુજરાતમાં કુલ 788 ઉમેદવારો નોંધાયા છે તેમાં ઉમેદવારોની સરેરાશ મિલકત 2.88 કરોડ છે. 2017માં એ 2.16 કરોડ હતી. સરેરાશ મિલકત પક્ષ પ્રમાણે ભાજપના કુલ 89 ઉમેદવારોની સરેરાશ મિલકત રૂ.13.40 કરોડ થાય છે. જ્યારે કોંગ્રેસના 89 ઉમેદવારોની સરેરાશ મિલકત રૂ. 8.38 કરોડ, આપના 88 ઉમેદવારોની સરેરાશ મિલકત રૂ.1.99 કરોડ છે, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 14 ઉમેદવારોની સરેરાશ મિલકત રૂ.23.39 કરોડ છે.

આ પ્રથમ તબક્કામાં ખાસ ધ્યાનાકર્ષક બાબત એ છે કે સૌથી ગરીબ 10 ઉમેદવારો છે તેમાં બે ઉમેદવારો ભાવનગર પશ્ચિમ વિધાનસભાના મહિલા ઉમેદવાર છે. જ્યારે સૌથી અમીર ઉમેદવારોમાં ટોપ ટેનમાં 10 મા ક્રમે ભાવનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઇ સોલંકી છે. ઇલેકશન વોચ દ્વારા જાહેર કરાયેલી પ્રથમ તબક્કાની માહિતી મુજબ સૌથી ઓછી મિલકત ધરાવતા 10 ઉમેદવારોમાં તાપીના બહુજન સમાજ પાર્ટીના રાકેશ ગામીત પાસે કુલ મિલકત માત્ર રૂ. 1000 રૂપિયાની કુલ સંપત્તિ છે. જ્યારે બીજા નંબરે ભાવનગરના અપક્ષ ઉમેદવાર જયાબહેન મેહુલભાઇ બોરીચા પાસે 3000 રૂપિયાની મિલકત છે.

તેઓ ભાવનગર પશ્ચિમમાંથી ઉમેદવાર છે. ભાવનગર પશ્ચિમના અન્ય એક અપક્ષ મહિલા ઉમેદવાર સવિતાબહેન રમેશભાઇ સોલંકી પાસે કુલ રૂ.12 હજારની સંપત્તિ છે. પ્રથમ તબક્કાની માહિતી મુજબ કરોડપતિ અને સૌથી અધિક સંપત્તિવાન ઉમેદવારોમાં 211 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે.

પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ છે. ટોપ ટેન સંપત્તિવાન ઉમેદવારોમાં 10મા ક્રમે ભાવનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઇ સોલંકી 53.52 કરોડની કુલ સંપત્તિ ધરાવે છે. પ્રથમ ક્રમે 175 કરોડથી વધુ મિલકત સાથે રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ટીલાળા છે. તો બીજા ક્રમે 162 કરોડથી વધુ સંપત્તિ સાથે રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનિલ રાજ્યગુરૂ છે.

અન્ય સમાચારો પણ છે...