લગ્ન પ્રસંગે જઇ રહેલા પરિવારને અકસ્માત નડ્યો:પાલિતાણા-સોનગઢ હાઈવે પર કાર અને બાઈક અથડાતાં 2નાં મોત, 3 ઘાયલ

ભાવનગર16 દિવસ પહેલા
  • ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ શિહોર અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવામાં આવ્યાં
  • ભાવનગરથી મોખડકા પરિવાર લગ્નમાં જઇ રહ્યો હતો
  • બાઈક ચાલકે બાઈક કાર સાથે ધડાકાભેર અથડાવતાં કાર ચાલકે પણ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો

ભાવનગર જિલ્લાના પાલિતાણા-સોનગઢ હાઈવે પર આજે મંગળવારે સવારે પીપરલા ગામ પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં બે વ્યક્તિઓનાં મોત નિપજ્યાં હતાં, જયારે ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શિહોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

સમગ્ર બનાવ અંગે સોનગઢ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના વતની અને વ્યવસાય અર્થે સુરત સ્થાયી થયેલા આશિષ અરવિંદભાઈ સોનાણી તેમની માતા સવિતાબેન તથા પરીવારના કેયુર નરેશભાઈ સુતરીયા, વસંતબેન ગોપાલભાઈ ગઢીયા તથા ભાવનગર શહેરમાં રહેતાં વૃદ્ધા શાંતુબેન નાનું ભાઈ સુતરીયાને પોતાની ક્રેટા કાર નંબર જી-જે-05 આરજે 6737માં લઈને પાલીતાણા તાલુકાના મોખડકા ગામે લગ્ન પ્રસંગે જઈ રહ્યાં હતાં. તે સમયે સોનગઢ-પાલીતાણા રોડ પર પીપરલા ગામ પાસે પાલીતાણા તરફથી આવી રહેલા ડબલ સવારી બાઈક ચાલક પ્રવિણ રામસંગ સોલંકી તથા પ્રકાશ બાબુ સોલંકી બાઈક નંબર જી-જે-7-એકે 821એ પોતાની બાઈક પરનો કાબૂ ગુમાવી બાઈક કાર સાથે ધડાકાભેર અથડાવતાં કાર ચાલકે પણ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડ પર પલ્ટી ખાઈ ગઈ હતી.

આ ઘટનામાં બાઈક ચાલક પ્રવિણને ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર શાંતુબેન નાનુભાઈ સુતરીયાને પણ ગંભીર ઈજા થતાં સારવાર અર્થે શિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેમજ કાર ચાલક આશિષ, સવિતાબેન, કેયુર અને વસંતબેનને નાની-મોટી ઈજાઓ સાથે પ્રથમ શિહોર અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવામાં આવ્યાં હતાં. આ બનાવમાં બાઈક પાછળ બેઠેલા પ્રકાશને પણ ઈજા પહોંચી હતી, જેને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાઈક સવાર વડાવળ ગામે રહે છે અને કુંભણ ગામે મજુરીકામે જઈ રહ્યાં હતાં. આ બનાવની જાણ સોનગઢ પોલીસને થતાં પીએસઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...