આજે અતિ ભારે વરસાદની આગાહી:જેસરમાં 1 કલાકમાં 2 ઇંચ મેઘમહેર, જેસરથી રાજપરાના માર્ગે પાણી ભરાતા 1 કલાક બંધ રહ્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરના ફેફસાની ઉપમા આપી શકાય તેવાં આરક્ષિત જંગલ એવા વિક્ટોરિયા પાર્કમાં આ વર્ષે ચોમાસાની ઋતુમાં રીતસર લીલી ચાદર પથરાયેલી હોય તેવી જોવાં મળી રહ્યું છે. મધ્યમાં આવેલ કૃષ્ણકુંજ તળાવમાં પણ પાણીની આવક થઇ ગઈ છે. - Divya Bhaskar
ભાવનગર શહેરના ફેફસાની ઉપમા આપી શકાય તેવાં આરક્ષિત જંગલ એવા વિક્ટોરિયા પાર્કમાં આ વર્ષે ચોમાસાની ઋતુમાં રીતસર લીલી ચાદર પથરાયેલી હોય તેવી જોવાં મળી રહ્યું છે. મધ્યમાં આવેલ કૃષ્ણકુંજ તળાવમાં પણ પાણીની આવક થઇ ગઈ છે.
  • ભાવનગર, ઘોઘા અને પાલિતાણામાં અડધાથી પોણો ઇંચ વરસાદ વરસી ગયો

ભાવનગર શહેર અને જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે જેસરમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે ભાવનગર શહેર, ઘોઘા અને પાલિતાણામાં અડધાથી પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે તળાજા, સિહોર અને વલ્લભીપુરમાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસી ગયા હતા. ભાવનગર જિલ્લામાં આ માસમાં સતત ધીમી ધારના વરસાદથી આ ચોમાસામાં કુલ વરસાદ 237 મી.મી. થઇ ગયો છે. જે સિઝનના કુલ વરસાદ 617 મી.મી.ના 38.50 ટકા થાય છે.

જેસરમાં બપોરના 2. 45 કલાકે આવી ચડેલા કાળા ડીબાંગ વાદળોએ જોતજોતમાં ધોધમાર વરસાદ વરસાવી દીધો હતો અને એક કલાકમાં બે ઇંચ જેટલું પાણી વરસાવી દીધું હતું જેથી જેસરના લિંડકીયા વિસ્તારમાં ગોઠણસમા પાણી આવી ગયા હતા તેમજ જેસરના નદી તથા નાળાઓમાં પણ નવા નિર આવી ગયા હતા. તેમજ જેસર તાલુકાના આજુબાજુ ગામડાઓમાં પણ ધોધમાર વરસાદના સમાચાર જાણવા મળ્યા છે. જેસરથી રાજપરા (ગંગાસતીના) જતા રાજપરામાં આવેલ નાળામાં કેડ સમા પાણી ભરાતા વાહનો થંભાવી દેવા પડ્યા હતા અને એક કલાક સુધી નાના વાહનોનો વ્યવહાર બંધ કરી દીધો હતો.

ભાવનગર શહેરમાં આજે અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી બપોર સુધીમાં ધીમી ધારે 16 મી.મી. વરસાદ વરસી ગયો હતો. સાંજે તો સૂર્યનારાયણે દર્શન દીધા હતા. શહેરમાં આ સિઝનમાં કુલ વરસાદ 318 મી.મી. થઇ ગયો છે. જે ચોમાસાના કુલ વરસાદ 739 મી.મી.ના 43.03 ટકા થાય છે. આજે પાલિતાણા અને ઘોઘામાં પણ 14-14 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જ્યારે તળાજામાં 8 મી.મી., સિહોરમાં 6 મી.મી. અને વલ્લભીપુરમાં 3 મી.મી. વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આવતી કાલ તા.15ને શુક્રવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય જિલ્લામાં રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવેલ છે જેથી ડેમો, નદી, નાળાઓ તેમજ તળાવો વિગેરે ઓવરફલો થવાની શકયતાઓ રહેલ છે તંત્ર દ્વારા દરેક વિભાગોના વડાને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહીં.

વરસાદની આગાહી અંગેની માહિતી વેબ સાઈટ https://mausam.imd.gov.in/ahmedabad/ પરથી મળશે.આકાશી વિજળીથી બચવાં માટે "DAMINI" મોબાઈલ એપ્લીકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી આપને આપના વિસ્તારમાં વિજળી પડવાની શક્યતાઓ અંગે અગાઉથી જાણકારી મળી રહેશે. કોઈ અનિચ્છનિય બનાવ બને તો મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાનાં કંટ્રોલરૂમ ખાતે ફોન નં.0278-2521554/55 (1077 ટોલ ફ્રી ) ઉપર તુરંત જાણ કરવી.

અન્ય સમાચારો પણ છે...