અધિકારીઓ મુંઝવણમાં:GSTના 2 કર્મચારીઓ 5 દિવસના રીમાન્ડ પર વધુ સંડોવણી ખુલશે

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂરાએ વટાણા વેરી દેતા જીએસટીના અધિકારીઓ મુંઝવણમાં
  • ​​​​​​​કૌભાંડમાં સામેલ જીએસટીના અધિકારીઓને કોર્ટમાં રજૂ કરાતા

જીએસટી કરચોરી કાૈભાંડમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં સોમવારે રાત્રે ધરપકડ કરાયેલા જીએસટીના બે અધિકારીઓને મંગળવારે કોર્ટ સમક્ષ રજૂ કરાતા બંને આરોપીઓના 5 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અધિકારીઓના રીમાન્ડ દરમિયાન વધુ કર્મીઓની સંડોવણી ખુલવાની શક્યતાઓ છે. ગત તા.2 નવેમ્બરના રોજ સનેસ ગામેથી એલસીબીના વાહન ચેકિંગમાં કરચોરીનો મામલો મળી આવ્યો હતો. આ કેસમાં આરોપીના રીમાન્ડ દરમિયાન વટાણા વેરી દેતા ધ્રુવિત માંગુકીયા, મલય શાહ, દીપક મંકોડીયા, વિક્રમ પટેલ ઉર્ફે પોપટની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જીએસટીના અધિકારીઓની મદદગારી હોવાની પ્રસ્થાપિત થતા, વડોદરા સીજીએસટીના નિરજ મિણા અને ભાવનગર સ્ટેટ જીએસટી મોબાઇલ સ્ક્વોડના ઇન્સપેક્ટર પ્રિતેશ દૂધાતની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બંને જીએસટી અધિકારીઓને વલભીપુર જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ એચ.કે.દેસાઇની કોર્ટમાં રજૂ કરવામાં આવતા તંત્ર દ્વારા 10 દિવસના રીમાન્ડ માંગવામાં આવ્યા હતા, અને કોર્ટે 5 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. ધરપકડ કરાયેલા અધિકારીઓ પ્રારંભિક પુછપરછમાં જ ભાંગી ચૂક્યા હતા, અને રીમાન્ડ દરમિયાન આ કૌભાંડમાં સામેલ વધુ અધિકારીઓના નામ અાપી દે તેવી આશંકાએ જીએસટીના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા છે.

ભેજાબાજો પકડાતા, અધિકારીઓ ક્યારેય નહીં!
અત્યારસુધીમાં સ્ટેટ જીએસટી અને સીજીએસટી દ્વારા બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ, ખોટા ઇ-વે બિલ સહિતના કરચોરી કૌભાંડોમાં અનેક ભેજાબાજોની ધરપકડ કરેલી છે. પરંતુ આવા કૌભાંડ જીએસટીના આંગળીના વેઢે ગણી શકાય તેટલા ભ્રષ્ટ અધિકારીઓના મેળાપીપણા સાથે થતા હોવા છતા નમૂનેદાર કાર્યવાહી કરવામાં બંને તંત્ર નિષ્ફળ રહ્યા હતા. પરિણામે ભ્રષ્ટ અધિકારીઓ બેફામ બન્યા હતા, હવે કાર્યવાહી થતા ડરવા લાગ્યા છે.

આવક કરતા અપ્રમાણસર મિલકત અંગે તપાસ
કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા જીએસટીના અધિકારીઓ દ્વારા કરચોરીમાં આડકતરી સામેલગીરીથી ઉપાર્જીત કરવામાં આવતા કાળાધન અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આવા અધિકારીઓ સામે આવક કરતા અપ્રમાણસર મિલકતો અંગેની ખાનગી રાહે ચકાસણીઓ કરવામાં આવી રહી છે. અને આગામી દિવસોમાં સંબંધિત કાર્યવાહી પણ તોળાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...