ખળભળાટ:ભાવનગરમાં બોગસ બિલિંગને મૂક સંમતિ આપનારા SGSTના 2 આસિ. કમિશનર સસ્પેન્ડ : કર્મીઓમાં સન્નાટો

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • M.M.ના રીમાન્ડમાં સંડોવણી ખુલી : હજુ વધુ રડારમાં

બોગસ બિલિંગના પીયર સમાન ભાવનગરમાં કરચોરી કરી રહેલા ભેજાબાજોની સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ માત્ર ભેજાબાજો જ નહીં, પરંતુ તેઓને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદગારી કરી રહેલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સામે પણ કાયદાકીય પગલાની શરૂઆત થતા જીએસટી કચેરીઓમાં સન્નાટો છવાઇ ગયો છે.દરમિયાન ભાવનગર ખાતેની સ્ટેટ જીએસટી કચેરીમાં ફરજ બજાવી ચૂકેલા બે તત્કાલીન આસિસ્ટન્ટ કમિશનરોને કરચોરોને સાથ આપવાની બાબતે સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર જીએસટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

ભાવનગર એસજીએસટી ખાતે ઘટક-1માં આસી.કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને તાજેતરમાં સાગમટે કરવામાં આવેલી બદલીઓમાં પાલનપુર ખાતે મુકવામાં આવેલા એચ.કે.માલવીયા અને ઘટક-2 (76)માં આસી.કમિશનર તરીકે ફરજ બજાવી અને રાજકોટ ખાતે અન્વેષણ-10માં બઢતી સાથે બદલી પામેલા એસ.એચ.ગાંધીએ પોતાની ભાવનગર ખાતેની ફરજ દરમિયાન કરેલી ગેરરીતિઓ સબબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ થયેલા અધિકારીઓ એમ.એમ.ની પેઢી રોયલ સેલ્સ કોર્પોરેશન સહિત ઢગલાબંધ પેઢીના જીએસટી નંબરો બંધ થઇ ગયા બાદ રીવોકેટ કરી ચાલુ કરાવી અને રીફંડ અપાવવામાં કરેલી મદદગારી માટે અને બોગસ પેઢીઓના રજીસ્ટ્રેશન માટે આંખ આડા કાન કરવામાં પણ સંડોવણી ખુલી છે. ઉપરાંત જયેશ શાહના તમાકુ-સિગારેટ કૌભાંડમાં પણ કનેકશન મળી આવ્યા છે.ભાવનગર ખાતે તાજેતરમાં દરોડા દરમિયાન મળી આવેલી ગેરરીતિઓ અને મોહમ્મદઅબ્બાસ રફીકઅલી મેઘાણી (એમ.એમ.) ના રીમાન્ડ દરમિયાન અનેક અધિકારીઓની સંડોવણી ખુલી હોવાના હેવાલો તરતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...