કાર્યવાહી:મહુવામાં કાપડના વેપારીની હત્યા કરનારા 2 ઝડપાયા, કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાંથી લાશ મળી આવી હતી

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૈસાની લેતીદેતી માટે મામા-ફઈના ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં મિત્ર સાથે મળી હત્યા કરી

મહુવાના વેપારી સાથે પૈસાની લેતી-દેતી મુદ્દે હત્યા કરનાર નજીકનો સંબંધી તથા તેના મિત્રને પોલીસે ઝડપી પાડ્યા છે. ભાસ્કરરાવ ઠાકર કોમ્પ્લેક્સમાં ઓમ સિલેક્શન રેડીમેઇડ કાપડવાળા દુકાનદાર જગદીશ ભગવાનદાસ લાલવાણી (ઉ.વ.44)નુ મોડી રાત્રે ખુન થયા બાદ તેમનો મૃતદેહ આ કોમ્પ્લેક્સના ભોંય તળીયાના કચરાના ઢેરમાંથી મળ્યો હતો.

બનાવની ફરીયાદ મહુવા પોલીસ મથકમાં નોંધાતા આ કેસની તપાસમાં મહુવા પોલીસની સાથે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચ પણ જોડાઈ હતી. જેમાં શંકાના દાયરામાં આવેલા શખ્સોની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પૈસાની લેતી-દેતી માટે રામ મોહન બુધવાણી તથા હનિફ ઉર્ફે સલમાન મહમદ મોગલ (બંન્ને રહે. મહુવા)એ આ હત્યા કરી હોવાની ક્રાઈમબ્રાંચ સમક્ષ કબુલાત આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે હત્યાને અંજામ આપનારા રામ અને હનિફે મૃતક જગદીશને પૈસા આપ્યા હતા જે પરત નહોતો આપતો હોવાની કબુલાત આપી હત્યા જ્યારે બીજી તરફ મૃતક જગદીશભાઈએ આ લોકો પાસેથી કોઈ પૈસા લીધાં નહી હોવા છતાં પૈસાની માંગણી કરતા હોવાથી ઝઘડો થતાં હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક જગદીશ તથા રામ બંન્ને મામા-ફઈના ભાઈઓ થતાં હતા. પોલીસે હાલ આ બંન્ને આરોપીઓને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...