બેદરકારી:શિક્ષણ સમિતિની 17 શાળાના 1800 બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત રહ્યા

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખાનગીની હરીફાઈમાં સરકારી શાળા ઉણી ઉતરે છે તેમાં નિષ્ક્રિયતા પણ એક કારણ
  • નવા સત્રના પાઠ્યપુસ્તકો માટે પાઠ્યપુસ્તક મંડળની વેબસાઈટ પર બાળકોની સંખ્યા પ્રમાણે પુસ્તકોની જરૂરિયાતના ડેટા મૂકવામાં શાળાના આચાર્યોની ગંભીર બેદરકારી

કોરોનાને કારણે શાળામાં પરીક્ષાઓ રદ થઈ અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ અપાઈ ગયા તેમજ ઓનલાઇન અભ્યાસ પણ શરૂ થઈ ગયો પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 17 શાળામાં તો આચાર્યોની ગંભીર બેદરકારી કે ટેકનિકલ પ્રોબ્લેમને કારણે સરકારમાંથી વિદ્યાર્થીઓ માટે મંગાવવાના પુસ્તકો પણ મંગાવાયા નહીં. પુસ્તકોની ડિમાન્ડ નહીં મુકતા 17 શાળાના 1800 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત રહી ગયા. અને તે માટે શાસનાધિકારી દ્વારા શિક્ષાત્મક કાર્યવાહીની નોટિસ પણ ફટકારી છે.

સરકારી શાળામાં આર્થિક રીતે પછાત વર્ગના બાળકોના શિક્ષણ માટે સરકાર અબજો રૂપિયા ખર્ચ કરી રહી છે છતાં વાલીઓ પોતાના બાળકોને સરકારીમાં વિનામૂલ્યે કરતા ખાનગી શાળામાં અભ્યાસ કરવાનું જ પસંદ કરે છે. જેનું કારણ સરકારી શાળામાં અભ્યાસમાં બેદરકારી અથવા શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય સરકારી કામગીરીમાં જોતરતા તેની શિક્ષણ પર વિપરીત અસર છે. પરંતુ ઘણીવાર સંકલનનો અભાવ કે નિષ્ક્રિયતા પણ ગંભીર સ્વરૂપ લઈ લે છે.

માસ પ્રમોશન બાદ સરકારી અને ખાનગી શાળાઓમાં આગામી અભ્યાસને લઈને પુસ્તકો ખરીદીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને અભ્યાસક્રમ પણ ઓનલાઇન શરૂ કરવામાં આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે પુસ્તકોની માગણી ઓનલાઇન કરવાની હોય છે.

વર્ષ 2021- 22 ના નવા સત્રના પાઠ્યપુસ્તકોની પાઠ્ય પુસ્તક મંડળ ગાંધીનગરની વેબસાઈટ પર ડિમાન્ડ મુકવાની હતી. પરંતુ ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 17 શાળાના આચાર્ય અને મુખ્ય શિક્ષકો ડિમાન્ડ મૂકવાનું ભૂલી ગયા અથવા તો ડિમાન્ડ મૂકવામાં બેદરકારી દાખવી. જેથી 17 શાળાના 1800 જેટલા બાળકો પાઠ્યપુસ્તક થી વંચિત રહી ગયા છે. જોકે, હવે ફરીવાર જ્યારે પોર્ટલ ઓપન થાય ત્યારે જ ડિમાન્ડ મૂકી શકાશે. હાલમાં શાસનાધિકારી કચેરી દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના પ્રયાસ કરાયા છે.

શાસનાધિકારી દ્વારા તમામ શાળાના આચાર્યોને જો બેદરકારી સાબિત થશે તો બાળકોને પાઠ્યપુસ્તકથી વંચિત રાખવા બદલ ગુજરાત પ્રાથમિક શિક્ષક નિયમો 1949ની કલમ 70 મુજબ ફરજમાં નિષ્ફળ બદલ શિક્ષાત્મક કાર્યવાહીની નોટિસ પણ આપવામાં આવી છે.

કઈ કઈ શાળાના બાળકો પાઠ્યપુસ્તકથી વંચિત ?
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની પાઠ્યપુસ્તકોની માગણી કરવામાં આવી નથી જેમાં કુંભારવાડા મિલની ચાલીમાં આવેલી શાળા નંબર 48, વિઠ્ઠલવાડી શાળા નંબર 58, રાણીકા કવિ કાન્ત રોડ શાળા નંબર 5, મામા કોઠા રોડ શાળા નંબર 7, આનંદ નગર જલારામ મંદિર પાસે શાળા નંબર 14, દીપક ચોક શાળા નંબર 19, ક્રેસન્ટ શાળા નંબર 25, રસાલા કેમ્પ શાળા નંબર 28, હલુરિયા ચોક શાળા નંબર 36, 37, એસટી બસ સ્ટેન્ડ પાસે શાળા નંબર 38, વડવા વોશિંગ ઘાટ શાળા નંબર 45, હાદાનગર શાળા નંબર 63, બાનુબાઈની વાડી શાળા નંબર 3, નારી રોડ શાળા નંબર 50, યશવંતરાય નાટ્યગૃહ પાસે શાળા નંબર 22 અને સુભાષ નગર પુલ પાસે શાળા નંબર 24 ના બાળકોને પાઠ્યપુસ્તક માટેની ડિમાન્ડ મૂકવામાં આવી નથી.

સંપૂર્ણ વંચિત ના રહે તે માટે અન્ય શાળામાંથી વ્યવસ્થા
2021-22ના નવા શૈક્ષણિક સત્રના પાઠ્યપુસ્તકો પાઠ્યપુસ્તક મંડળની વેબસાઈટ પર ડેટા એન્ટ્રી કરી માગણી કરવાની રહે છે. પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 17 પ્રાથમિક શાળાના આચાર્ય અને મુખ્ય શિક્ષકો દ્વારા ઓનલાઇન પોર્ટલમાં માગણી નહીં દર્શાવાતા તમામને નોટિસ આપી ખુલાસો પુછવામાં આવ્યો છે. જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી પણ કરાશે. 17 શાળાના તમામ બાળકો પાઠ્યપુસ્તક થી વંચિત ના રહે તે માટે અન્ય શાળામાંથી 20 ટકા ઓછા પુસ્તકો આપવામાં આવ્યા છે.
> યોગેશ ભટ્ટ, શાસનાિધકારી, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...