અકસ્માતની ભિતી:મોતના ઝળુંબતા ભય સાથે અભ્યાસ કરતી દાઠા ગામની 175 વિદ્યાર્થિનીઓ

દાઠા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાઠા કન્યાશાળાના 55 વર્ષ જુના મકાનથી અકસ્માતની ભિતી

ભાર વગરના ભણતર માટે સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ દાઠા ગામની કન્યા શાળામાં અભ્યાસ કરતી બાળાઓને ભય વગરનું ભણતર મળી રહે તે પણ જરૂરી છે.હાલમાં આ શાળાની 175 વિદ્યાર્થિનીઓ ભયના ઓથાર તળે અભ્યાસ કરી રહી છે.

તળાજા તાલુકાના દાઠા ગામની કન્યા શાળાના સ્કૂલ-બિલ્ડીંગની હાલત ખુબ જ જર્જરીત થઇ ગઇ હોવાથી તત્કાલ ધોરણે નવું બાંધકામ કરવું પડે તેવી જરૂરિયાત ઊભી થઇ છે વળી દીવાલોમાં મોટી તિરાડો અને છતો ખોખલી પડી ગઇ હોવાથી ચોમાસામાં પાણી પડવાના કે ઝેરી જીવજંતુ પણ સરળતાથી પ્રવેશી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ન કરે નારાયણ ને ક્યારેક આ પરિસ્થિતિમાં અભ્યાસ કરતા સમયે દિવાલો કે છતો પડવાની કે અન્ય કોઈ અઘટિત ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણ ?

આ અંગે તંત્રનું ધ્યાન દોરવા દાઠાના સામાજિક કાર્યકર ગિરવાનસિંહ.જે.સરવૈયા દ્વારા ગઇકાલે જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગર ખાતે લેખીત રજુઆત પણ કરવામાં આવેલ છે.જોઇએ હવે તંત્ર તાકીદે કોઇ કાર્યવાહી કરે છે કે કોઇ દુર્ઘટના સર્જાઇ તેની રાહ જોશે ?

જર્જરીત મકાન પાડવા તાલુકામાં ઠરાવ પણ મોકલ્યો
આ બાબતે ઘણા સમયથી સ્કુલ મેનેજમેન્ટ કમિટી (SMC) દ્વારા થતી બેઠકમાં ઠરાવ કરી તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફીસર (TPEO) ને તાલુકા પંચાયત- તળાજા ખાતે માર્ચ 2021 માં મોકલ્યો છે પરંતુ લાગતા વળગતા વિભાગોમાંથી સ્કુલનુ જર્જરીત મકાન પાડવાની મંજુરી આપવામાં આવતી નથી.કન્યા કેળવણી માટે સરકાર દ્વારા ખૂબ જ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે અને સારી ગ્રાંટો પણ આપવામાં આવે છે ત્યારે આ સ્કૂલ માટે નવી બિલ્ડીંગનું કામ તત્કાલ ધોરણે શરૂ કરવામાં આવે તેવી દાઠાના જાગૃત નાગરિકોની માંગ છે

અન્ય સમાચારો પણ છે...