આગ સાથે અખતરા:રોજ 1600 દર્દી આવે છે તે સર ટી. હોસ્પિટલમાં તમામ ફાયર સિલિન્ડર એક્સપાયરી ડેટવાળા

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર હોસ્પિટલ ફાયર સુવિધા વિહોણી :સારવાર લઈ રહેલા હજારો દર્દીઓ માથે ઝળુંબતું મોત
  • લઠ્ઠાકાંડમાં આરોગ્ય મંત્રી સહિતના દોડી આવ્યા ત્યારે તંત્રએ દેખાડા કરવા સફાઈ કરી પરંતુ ગંભીર બેદરકારી છુપ‍ાવી

લઠ્ઠાકાંડમાં રાજકિય જમેલા અને મંત્રીઓના પડાવ વચ્ચે ભાવનગરની સરકારી હોસ્પિટલ બેદરકારીની ગંભીર બેદરકારી સામે આવી છે. સર ટી. હોસ્પિટલના તમામ સંકુલોમાં રાખવામાં આવેલા ફાયર એક્સટિંગ્વિશર એક્સપાયરી છેલ્લા બે ત્રણ મહિના પહેલા થઈ ગયા હોવા છતાં રિફલિંગ કરયા નહીં કે બદલાવવામાં આવ્યા નહીં. જેથી કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગની ટીમે તપાસ કરી તમામ 260 એક્સટિંગ્વિશર જપ્ત કર્યા હતા. હાલમાં સમગ્ર હોસ્પિટલમ‍ાં સારવાર લઈ રહેલા હજારો દર્દીઓ માથે મોત ઝળુંબે છે. માત્ર ઓપીડીમાં જ આ હોસ્પિટલમાં રોજ 1600 દર્દીની અેવરેજ છે.

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં લઠ્ઠાકાંડના અસરગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જેથી આ ઇસ્યુ રાજકીય બની ગયો હતો અને સરકારના મંત્રીઓ, દિલ્હીના મુખ્યમંત્રી અને અન્ય પ્રદેશ કક્ષાના રાજકીય આગેવાનોના ધાડા ઉતર્યા હતા. અને આરોગ્યમંત્રી સહિતના સર ટી. હોસ્પિટલમાં આવવાના હોવાથી હોસ્પિટલની સફાઇ સહિતની કામગીરી પણ તાત્કાલિક કરવામાં આવી હતી. પરંતુ જે અતિ આવશ્યક છે તે ફાયર સેફટી અંગે કોઈ જાગૃત બન્યું નહીં.

આરોગ્ય મંત્રી અને કેબિનેટ મંત્રી સહિતનાએ હોસ્પિટલની મુલાકાત લીધી હોય છતાં ફાયર સેફટી અંગે હોસ્પિટલનુ તંત્ર બેજવાબદાર રહ્યું હતું. એક તરફ હાઇકોર્ટ અને સરકાર ફાયર સેફટી માટે ખૂબ જ ગંભીર છે ત્યારે સર ટી.હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ નિંદ્રામાં રહ્યા હતા. સર ટી. હોસ્પિટલના તમામ બિલ્ડિંગોમાં લગાવેલા ફાયર એક્સટિંગ્વિશરની એક્સપાયરી ડેટ ચાલી ગઇ હતી. ફાયર એક્સટિંગ્વિશરની છેલ્લા બે-ત્રણ મહિનાથી એક્સપાયરી ડેટ ચાલી ગઇ હોવા છતાં હોસ્પિટલના તંત્રવાહકો અજાણ રહ્યા હતા.

જેથી ભાવનગર કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા હોસ્પિટલમાં તપાસ હાથ ધરતાં 260 ફાયર એક્સટિંગ્વિશર એક્સપાયરી ડેટ વાળા હતા. જેથી ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક 260 ફાયર એક્સટિંગ્વિશરને ઉતારી લીધા હતા અને સર ટી હોસ્પિટલને નોટિસ ફટકારી હતી.

તદુપરાંત આગામી મહિનામાં એક્સપાયરી ડેટ પૂર્ણ થનાર 50 ફાયર એક્સટિંગ્વિશરને પણ રિફલિંગ માટે ઉતરાવી લીધા હતા. એટલે હાલમાં સર ટી. હોસ્પિટલના તમામ બિલ્ડીંગ ફાયર સેફટી વિહોણા બની ગયા છે. તેમાં પણ બિલ્ડીંગોમાં લગાવેલી ફાયર સેફ્ટીની સિસ્ટમ પણ ઘણા બિલ્ડિંગોમાં બંધ હાલતમાં છે. જેની પણ હોસ્પિટલના તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી નથી.

અગાઉ પણ વારંવાર ફાયર અંગેની નોટીસ અપાય છે
સર ટી. હોસ્પિટલનું તંત્ર ફાયર સેફટી અંગે પહેલેથી જ બેદરકાર છે. તંત્ર વાહકોને તેની જરાય ગંભીરતા નથી. અગાઉ કોર્પોરેશનના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા ફાયર સેફટીના અભાવ હોવાથી વારંવાર નોટિસ આપી છે. છતાં સુધરવાનું નામ લેતું ના હતું. માંડ સુધર્યું અને ફાયર સેફ્ટીની સિસ્ટમ અને એક્સટિંગ્વિશર લગાવ્યા તેમાં પણ બેદરકાર રહેતા એક્સપાયરી ડેટવાળાને રિફલિંગ પણ કરાવ્યા નથી.

એક્સપાયરી વાળા એક્સટિંગ્વિશર દૂર કરાવ્યા
ફાયર સેફટી અંગેની ઝુંબેશના ભાગ રૂપે ભાવનગર ખાતેની સરકારી સર ટી. હોસ્પિટલમાં તપાસ કરતા આ હોસ્પિટલના તમામ સંકુલમાં રાખેલા ફાયર એક્સટિંગ્વિશર એક્સપાયરી ડેટવાળા હોવાથી તેને ઉતરાવી લીધા હતા અને હોસ્પિટલને પણ નોટિસ આપી છે. > પ્રદ્યુમનસિંહ જાડેજા, ડિવિઝનલ ફાયર ઓફિસર

હોસ્પિ.માં પણ પોતાનો ફાયરબ્રિગેડ વિભાગ છે
સર ટી. હોસ્પિટલનું તંત્ર અને અલગ-અલગ વિશાળ બિલ્ડિંગો હોવાથી હોસ્પિટલમાં પોતાનો એક અલગ ફાયરબ્રિગેડ વિભાગ પણ છે. હોસ્પિટલના ફાયરમેનો દ્વારા ફાયર એક્સટિંગ્વિશરની એક્સપાયરી ડેટ અંગે સંબંધિત તંત્રને રિપોર્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. છતાં રિફલિંગ કરાયું નથી. આથી આજની સ્થિતીએ સરટી હોસ્પિટીમાં જો કોઈ આગ જનીની ઘટના સર્જાય તો અત્યંત ગંભીર પરિણામ આવી શકે છે.

આગના ડેમોની કરે છે નૌટંકી
સર ટી. હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ છે અને તે અંગે જાગૃતિ દાખવવાને બદલે આગ લાગે ત્યારે હોસ્પિટલનું તંત્ર સતર્ક હોવાનું દેખાડવા અવાર નવાર આગના બનાવનું ડેમોસ્ટ્રેશન કરી નૌટંકી કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...