બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની ચોકડી ગામેથી ઝેરી દેશી દારૂ પીવાથી બોટાદ પંથકમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં બરવાળા, રાણપુર તેમજ ધંધુકા તાલુકાના ગામડાઓનો શખ્સોની તબિયત લથડતા ભાવનગર, અમદાવાદ, બોટાદ સહિતના હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા, આજરોજ 15 જેટલા દર્દીઓ સારવાર પૂર્ણ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સ્વસ્થ થયા બાદ ઝેરી દારૂ પીધા બાદ કેવી અસર થઈ હતી તેની દર્દીઓએ આપવીતી જણાવી હતી.
હવે દારૂ પીવાનું બંધ- દર્દી
ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે આજરોજ કેમિકલ લઠ્ઠાકાંડના અસરગ્રસ્ત દર્દીઓને સંપૂર્ણ સારવાર થઈ જતા રજા આપવામાં આવી હતી. જ્યારે દર્દીઓને પૂછવામાં આવતા તેને જણાવ્યું હતું કે હવે ક્યારેય દારૂનો ચાળો અમે નહીં કરીએ, અમારીથી મોટી ભૂલ થઈ ગઈ તેવું દર્દીઓએ સ્વીકાર્યું હતું,
સવારે દારૂ પીધો અને બપોરે આંખો માંથી દેખાવાનું બંધ થયુ
આ અંગે રોજીદ ગામના હિંમતભાઈ જણાવ્યું હતું કે રવિવારના રોજ સવારે 10:00 વાગે આસપાસ દારૂ પીધો હતો ત્યારે સારું હતું પણ બપોરનો ગાળો થતા મને આખોથી દેખાવાનું બંધ થવા લાગ્યું, એટલે હું તરત જ બરવાળા ગામમાં હોસ્પિટલ ગયો ત્યાં મને બે ઇન્જેક્શન અને બાટલો ચડાવતા બે કલાક રાહત થઈ હતી, પાછું મને દેખાતું બંધ થતાં સાંજના ગાળામાં 108 મારફતે મને ભાવનગર હોસ્પિટલ લાવ્યા હતા, અત્યારે મને હવે બધું સારું થઈ ગયું છે અને ડોક્ટરો દ્રારા સારવાર પણ ખૂબ જ સારી આપવામાં આવી છે.
બોટાદ લઠ્ઠાકાંડમાં ભાવનગર હોસ્પિટલમાં 19 જેટલા લોકોનો ભોગ લેવાયો
બોટાદના બરવાળા કેમિકલ લઠ્ઠાકાંડમાં ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે આશેર 100 જેટલા દર્દીઓને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, જ્યાં 19 દર્દીઓના મોત થયા હતા, હાલ 47 જેટલા સારવારમાં છે અને 13 જેટલા દર્દી હોસ્પિટલ માંથી ચાલ્યા ગયા હતા અને આજે બપોર બાદ 15 જેટલા દર્દીઓને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.