પશુઓમાં લમ્પી સ્કીન ડિસીઝ ફેલાતો અટકે અને પશુધન સુરક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા લમ્પી સ્કીન ડીસીઝનું નિવારણ અને નિયંત્રણ વધુ ઝડપી અને સુદ્રઢ રીતે થાય તે માટે ભાવનગર સહિત રાજ્યના 14 જિલ્લાઓને “નિયંત્રિત વિસ્તાર”તરીકે જાહેર કરાયા છે તેમજ જિલ્લાકક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટીની રચના કરવામાં આવશે તેમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લમ્પી સ્કીન ડિસીઝને નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાને “નિયંત્રિત વિસ્તાર” તરીકે જાહેર કરવામાં આવ્યા છે. લમ્પી સ્કીન ડિસીઝને નિવારણ અને નિયંત્રણ માટે પશુઓને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવી છે. નિયંત્રિત વિસ્તારવાળા જિલ્લાઓની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જિલ્લા કક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટી સ્થાપવા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાનારી સમિતિમાં જિલ્લા વિકાસ અધિકારી, રિજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ, જિલ્લા પોલીસ વડા, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા પશુપાલન અધિકારી/પશુપાલન ખાતાના નાયબ નિયામક, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરીયા અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રાદેશિક પરિવહન અધિકારીનો સમાવેશ કરવામાં આવશે.
આ સમિતિ જિલ્લામાં લમ્પી સ્ક્રીન ડીસીઝના નિયંત્રણ, બચાવ તેમજ સારવાર સબંધિત તમામ કામગીરીનું સંકલન તેમજ મોનિટરીંગ કરશે. આ રોગથી અસરગ્રસ્ત પશુઓની સારવાર, આઇસોલેશન, વૅક્સિનેશન તેમજ આનુસંગિક તમામ કામગીરી સુનિશ્ચિત કરશે. અસરગ્રસ્ત પશુઓની અવરજવર નિયંત્રિત કરવાની તેમજ પશુઓના રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવ, રખડતા (બિનવારસી) અસરગ્રસ્ત પશુઓની દેખરેખ સહિતની કામગીરી સુનિશ્ચિત કરીને લમ્પી સ્કીન ડીસીઝના સબંધમાં સર્વેલન્સની કામગીરી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.