સંતવાણી એવોર્ડ:મહુવાના કૈલાસ ગુરૂકુળ ખાતે 13મો અને 14મો સંતવાણી એવોર્ડ યોજાયો, 10 મહાનુભાવોની સંતવાણી એવોર્ડથી ભાવવંદના કરવામાં આવી

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૈલાસ ગુરૂકુળના શંકરાચાર્યજીની નિશ્રામાં સંપન્ન થયો સંતવાણી એવોર્ડ
  • "ભજન કરે તેનો સંકલ્પ નષ્ટ ન થાય" : મોરારીબાપુ
  • ભજન સર્જકોને રૂપિયા 51 હજાર અને બાકી બધા જ એવોર્ડને રૂપિયા 25 હજારની પુરસ્કાર રાશી અપાઈ

મહુવાના તલગાજરડા ખાતે મોરારીબાપુ દ્વારા વિવિધ ભજન કલાકારો, સર્જકોને સન્માનવાના ઉપક્રમે દર વર્ષે સંતવાણી એવોર્ડ આપવામાં આવે છે. આથી વર્ષ 2008થી શરૂ થયેલા આ સંતવાણી એવોર્ડનો 13મો અને 14મો સમારોહ ગઈકાલે રવિવારે રાત્રે કૈલાસ ગુરૂકુળના શંકરાચાર્યજીની નિશ્રામાં સંપન્ન થયો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના લીધે 2020નો સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો. જેથી 2020 અને 2021નો સમારોહ ગઈકાલે સંયુક્તપણે યોજાયો હતો.

આ એવોર્ડ કાર્યક્રમ દર વર્ષે ભજનાનંદી પ્રભુદાસબાપુ હરિયાણીના સમાધિ દિવસે યોજાય છે. સને 2020 અને 2021ના એવોર્ડ ગઈકાલે એક સાથે અર્પંણ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 10 મહાનુભાવોની સંતવાણી એવોર્ડથી ભાવવંદના કરવામાં આવી હતી.

ઉપરોક્ત પ્રસંગે મોરારીબાપુએ કહ્યું હતું કે, કળિયુગમાં જે કોઈ ભજન કરશે તેનો સંકલ્પ નષ્ટ નહીં થાય, તેમના પ્રયત્નો પણ નિષ્ફળ નહીં જાય. દ્વારકાધીશ હંમેશા દરેકની હુંડી સ્વીકારે છે. ભજન કરનારની બુદ્ધિ વ્યભિચારી નથી થતી. બુદ્ધિનું વ્યભિચારીપણું જીવનને મોટુ નુકસાન કરે છે. ભજનાહાર કરનારને જીવનમાં કદી ઉકરડો નહીં પડે અને તેનો આશ્રય લેનાર નિરાભિમાની રહેશે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારેય વસ્તુ પર ભજનથી કાબુ મેળવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે ભોજલરામ બાપાની "ભોજલ કરે ભરોસો" પંક્તિ મને સ્પર્શી ગઈ છે. ભરોસાથી જ જીવી શકાય છે માનસમાં કહેવાયું છે 'ઉમા કહુંઉ અનુભવ અપના સત હરિ ભજન' એટલે કે શિવ અનુભવ કહે છે કે, ભજન જ સત્ય છે. સંતવાણીના સર્જકનો 2020નો એવોર્ડ નિરાંત મહારાજના પ્રતિનિધિ અને ગાદીપતિ મનહરદાસ મહારાજ અને 2021નો એવોર્ડ મહંત ભક્તિ રામબાપા ફતેપુરે સ્વીકાર્યો હતો. ભજન ગાયકીમાં 2020 માટે ઈસ્માઈલ ગની મીર અને 2021 માટે સમરતસિંહ સોઢાની પસંદગી થઇ હતી. તાલવાદ્યમાં તબલા માટે 2020માં ભરતપુરી ફુલપરી ગોસ્વામી અને 2021માં ઈકબાલ હાજીની પસંદગી થઇ હતી. વાદ્ય સંગીતના એવોર્ડ માટે 2020નો એવોર્ડ નિઝામ ખાન મોહન ખાન અને 2021 માટે છપ્પન મંગાભાઈ પટણીને બેન્જો વાદન માટે અર્પણ થયો હતો. જ્યાં બાપુની કથામાં બેન્જો વાદક તરીકેની સેવા આપતાં હિતેશગિરી ગોસ્વામીનો બેન્જો નિઝામ ખાને બનાવ્યો હોવાનું પણ જાહેર થયું હતું. મંજીરા વાદક તરીકેનો 2020નો એવોર્ડ ભરત ધનરાજભાઇ બારોટ અને 2021નો એવોર્ડ નીતિન જમનાદાસ કાપડીને અર્પણ કરવામાં આવ્યો હતો. બધા જ એવોર્ડ સ્વીકારનાર મહાનુભાવોનું સૂત્ર માલા અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ભજન સર્જકોને રૂપિયા 51 હજાર અને બાકી બધા જ એવોર્ડને રૂપિયા 25 હજારની પુરસ્કાર રાશી આપવામાં આવી હતી.

આ એવોર્ડ માટે એવોર્ડ સમિતિમાં હેમંત ચૌહાણ, ઓસમાન મીરે પોતાની સેવાઓ આપી હતી. કાર્યક્રમના બીજા દોરમાં સંતવાણી આરાધકોએ વહેલી સવાર સુધી સંતવાણીના શબ્દોથી સૌને અભિભૂત કર્યા હતા. સંતવાણી કાર્યક્રમનું સંચાલન જીતુદાન ગઢવીએ કર્યું હતું. કાર્યક્રમમાં પરસોત્તમ ગોસ્વામી, જયશ્રી માતાજી, ઓસમાન મીર અને એવોર્ડ વિજેતાઓએ પોતાના શબ્દોથી સૌને નવપલ્લવિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિશ્ચંદ્ર જોશી તથા સંકલન અને આયોજન જયદેવ માંકડે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...