લમ્પી વાઈરસનો કહેર:ભાવનગર જિલ્લાના ચાર તાલુકા મથકોએ 120 ગાય વાઈરસની શિકાર બની

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યારસુધીમાં 4800 થી વધુ પશુઓને રસીકરણ કરવામાં આવી ચુક્યું છે
  • વાવડી ગામે એક લમ્પી સંક્રમિત ગાયનું મોત નીપજ્યું

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં દૂધાળા પશુઓમાં અને ખાસ કરીને ગાયોમાં લમ્પી સ્કિન ડિસીઝ વાઇરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે,ત્યારે ભાવનગર જીલ્લાના ઉમરાળા અને ગારીયાધાર અને પાલીતાણા પંથકના ગામોમાં પણ લમ્પી વાયરસના 120 કેસો સામે આવ્યા છે. જેમાં એક લમ્પી સંક્રમિત એક ગાયનું મોત પણ નીપજ્યું છે. લમ્પી વાઈરસના સંક્રમણને પગલે જીલ્લા પશુ ચિકિત્સા વિભાગની અનેક ટીમો આ પંથકમાં સંક્રમિત પશુઓની સારવારમાં લાગી છે તો અન્ય પશુઓ સંક્રમિત ના બને તે માટે રસીકરણની કામગીરી પણ કરી રહી છે.

ભાવનગર જિલ્લામાં લમ્પી વાઈરસના કેસ નોંધાયા
ભાવનગર જીલ્લાના ગારીયાધાર પંથકના મોટી વાવડી-પાલડી-માંડવી અને પચ્છેગામમાં મળી કુલ 38 લમ્પી સંક્રમિત ગાયોના કેસો મળી આવ્યા છે. જેમાં વાવડી ખાતે એક ગાયનું મોત પણ નીપજ્યું હતું, જયારે ઉમરાળા તાલુકાના લીમડામાં 27, જાળિયામાં 25, ઘરવાળામાં 7 અને ખીજડીયા ગામમાં 7 મળી કુલ 77 સંક્રમિત કેસો સામે આવ્યા છે આમ કુલ ભાવનગર જીલ્લામાં હાલ 120 લમ્પી સંક્રમિત ગાયો પૈકી 119 ની પશુ ચિકિત્સા વિભાગ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.

પશુપાલકોને સાવચેત રહી ચિકિત્સકોની સૂચનાને અનુસરવા જણાવ્યું
જયારે આ સંક્રમણ અન્ય પશુઓમાં ના ફેલાય તે માટે જરૂરી રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં પશુ ચિકિત્સા વિભાગની વિવિધ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 4,800થી વધુ પશુઓનું રસીકરણ કરી લમ્પી વાયરસના સંક્રમણ સામે રક્ષણ આપ્યું છે. તેમજ પશુપાલકોને આ અંગે જરૂરી માર્ગદર્શન જેમાં લમ્પી વાયરસના લક્ષણો અંગે જાણકારી તેમજ આ રોગથી ગભરાવાના બદલે તેની સામે તકેદારી રાખવા તેમજ પશુ ચિકિત્સા અધિકારીઓના સૂચનને અનુસરી સારવાર કરવા જણાવ્યું હતું. તેમજ હાલ પરીસ્થિત સંપૂર્ણ કાબુમાં હોય કોઈ પ્રકારે ગભરાવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું.

તળાજા પંથકમાં રોગચાળો અટકાવવા પગલા ભરો
તળાજા પંથકના ગામોમાં નાના પશુઓ ઘેટા-બકરામાં પણ રોગચાળો ફેલાતા તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ પણ માલધારીઓને લઇને તળાજાના પશુ ડો.ભરત પ્રજાપતિની રૂબરૂ મુલાકાત લઇને દવા અને રસીની વ્યવસ્થા માટે ચર્ચા કરી હતી અને ઉચ્ચકક્ષાએ મંત્રી અને અધીકારીને રજુઆત કરી હતી.તાલુકામાં દેવળીયા,કું઼ઢડા અને ઠળીયામાં ઘેટા-બકરા બિમાર હોય સારવાર ચાલી રહી છે.

5800 પશુઓને રસીકરણ કરી દેવાયું છે
જિલ્લામાં ચાર તાલુકાના 15 જેટલા ગામોમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝ રોગ ફેલાયો છે અત્યાર સુધીમાં એક અઠવાડીયાની અંદર 5800 ગાય અને બળદને રસીકરણ કરાયુ છે અને આ રસીકરણ અભિયાન એક મહિના સુધી શરૂ રહેશે.ગારિયાધારના મોટી વાવડી ગામે ગત તા.10 જુલાઇના આ લમ્પી સ્કીન ડિસિઝ રોગથી એક ગાયનું મોત થયું છે.ખાસ કરીને પશુઓમાં આ રોગથી મોતનું પ્રમાણ એકથી દોઢ ટકા જેટલુ છે.સમયસર સારવાર મળતા રોગનું પ્રમાણ એકદમ ઓછુ છે. > ડો.કલ્પેશ બારૈયા, નાયબ પશુપાલક નિયામક,જિલ્લા પંચાયત ભાવનગર

પશુઓમાં ફેલાતા રોગના લક્ષણો
પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા, દૂધ ઉત્પાદન ઘટવું, ખાવામાં તકલીફ પડવી, ગાભણ પશુ તરવાઈ જાય વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે. આ એક ચેપી રોગ છે જે અસર કરતા ચામડીને જાડી કરે છે અને પશુ બિમાર પડે છે.

અન્ય સમાચારો પણ છે...