આજથી શિયાળુ લગ્ન સિઝન:એક માસમાં લગ્નના 12 શુભ મુહૂર્ત, 4 મહિના બાદ આજથી પુન: લગ્નની શરણાઇઓ ગૂંજશે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 15 નવે.થી 14 ડિસે. સુધીમાં 12 શુભ મુહૂર્ત 15 ડિસે.થી કમુહૂર્તા

ચાર્તુમાસના લાંબા વિરામ બાદ હવે લગ્નસરાની સિઝન આગામી 15 નવેમ્બરના રોજ તુલસી વિવાહથી (દેવઉઠી અગિયારસ)થી ફરી શરૂ થશે. લગભગ 4 મહિના બાદ જિલ્લામાં આવતી કાલ તા.15 નવેમ્બરને સોમવારથી ફરી લગ્નની શરણાઇઓ ગૂંજશે. આ વખતે અડધો નવેમ્બર અને અડધા ડિસેમ્બરમાં કુલ એક માસમાં 12 શુભ મુહૂર્તમાં સેંકડો લગ્ન થવાનો અંદાજ છે.

તુલસી વિવાહથી શરૂ થતી લગ્નની સિઝનમાં નવેમ્બરમાં 7 અને ડિસેમ્બરમાં 5 મળી કુલ 12 શુભ મુહૂર્ત રહેશે. 400 લોકોની મર્યાદા સાથે શરૂ થતી લગ્નસરાની આ સિઝનમાં લોકો ઘરઆંગણે જ લગ્ન પ્રસંગ યોજવાનું પસંદ કરી રહ્યા છે. ગત વર્ષે કોરોનામાં મોકૂફ રહેલા લગ્નો પણ આ સિઝનમાં હાથ ધરાયા છે.

બીજી બાજુ પાર્ટી પ્લોટોના સંચાલકોના જણાવ્યા અનુસાર, પાર્ટી પ્લોટોમાં આયોજિત મોટાભાગના લગ્નોમાં 600થી વધુ મહેમાનોની સંખ્યા રહેતી હોય છે. ગત વર્ષે કોરોનાના કારણે ઠપ રહેલું બુકિંગ હવે આ વર્ષે સારૂ એવું થઇ ગયું છે.

સરકાર લગ્ન પ્રસંગમાં આવતાં મહેમાનોની સંખ્યાની મર્યાદા વધારે તો હજુ બુકિંગ વધે તેવી આશા છે. જ્યારે કેટરિંગના વ્યવસાયકારોએ જણાવ્યું કે, 100 લોકોની મર્યાદા વધારી 400 લોકોની કરાઇ છે.

નવા વર્ષમાં ધનારક કમુરતાં, શુક્ર અને ગુરૂ ગ્રહનો અસ્ત
જ્યોતિષશાસ્ત્ર મુજબ, ધનારક કમુરતાં તેમજ શુક્ર અને ગુરૂ ગ્રહની અસ્તની સ્થિતિમાં લગ્ન લઇ શકાતાં નથી. જે મુજબ 15 ડિસેમ્બર,2021થી 14 જાન્યુઆરી 2022 સુધી સૂર્ય ધન રાશિમાં રહેતાં ધનારક કમુરતાં રહેશે. આ દરમિયાન તા.5 થી 12 જાન્યુઆરી સુધી શુક્ર ગ્રહ અસ્તનો રહેશે. જ્યારે તા.21 ફેબ્રુઆરીથી 22 માર્ચ સુધી ગુરૂ ગ્રહ પણ અસ્તનો થતો હોઇ આ સમફગાળામાં લગ્નની સિઝનને બ્રેક લાગશે. શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષીએ જણાવ્યું હતુ કે વિક્રમ સંવત 2078માં 17 જુલાઇ,2022ને રવિવારથી ચાતુર્માસ શરૂ થતો હોવાથી વર્ષના અંત સુધી લગ્નનું કોઇ શુભ મુહૂર્ત નથી.

આગામી એક માસમાં લગ્નના મુહૂર્ત
નવેમ્બર :
તા. 16, 20, 21, 22, 26, 28, 29 અને 30
ડિસેમ્બર : તા.1, 7, 9, 11, 13 અને 14

અન્ય સમાચારો પણ છે...