એનાલિસિસ:ભાવનગરમાં 119 કેસ નોંધાયા, 82.81 ટકા દર્દીઓ સાજા થયા, 13 દર્દી સારવાર હેઠળ, 8ના મોત

ભાવનગર3 વર્ષ પહેલા
  • 92 વર્ષના વૃદ્ધથી લઈને 7 માસના બાળક સુધીના 98 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

25 લાખ ઉપરાંત જનસંખ્યા ધરાવતા ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 119 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 8 લોકોના મોત થયા છે અને 98 દર્દીઓ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે 13 દર્દીઓની સારવાર ચાલુ છે. આઇસોલેશન વોર્ડમાં સર.ટી હોસ્પિટલની તબીબી ટીમની સઘન સારવાર બાદ 92 વર્ષના વૃદ્ધથી લઈને 7 માસના બાળક સુધીના 98 દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા આપવામાં આવી હતી.

મે મહિનામાં 69 પોઝિટિવ કેસ નોંધાયા

મળતી માહિતી અનુસાર જે 8 દર્દીઓના મોત નીપજ્યાં છે તેમાંથી 7 દર્દીઓ કોરોના સિવાયના અન્ય રોગથી પણ પીડાતા હતાં. ભાવનગરમાં 25 માર્ચ સુધી કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો ન હતો. કોરોનાનો પ્રથમ કેસ 26 માર્ચે નોંધાયો હતો. માર્ચ મહિનાના અંતમાં 6 કેસ પોઝિટિવ આવ્યા હતા અને 2નાં મોત નિપજ્યા હતા. જ્યારે એપ્રીલ મહીનામાં 44 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 3નાં મોત થયા હતાં અને 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. તો મે મહિનામાં 69 પોઝિટિવ કેસ નોંધાયા. જેમાંથી 3ના મોત થયા હતાં અને 76 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. 

ભાવનગર શહેરમાંથી 95 પોઝિટિવ કેસ આવ્યા હતાં

119 પોઝિટિવ કેસ પર નજર કરીએ તો ભાવનગર શહેરમાંથી 95 પોઝિટિવ કેસ આવ્યા હતાં. જેમાંથી 7ના મોત થયા અને 81 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવેલ. હાલમાં 7 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. જયારે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાંથી 24 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાંથી 1નું મોત થયું અને 17 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવેલ અને હાલમાં 6 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. આમ ભાવનગર શહેરના 7 અને ગ્રામ્યના 6 મળી 13 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. 

આરોગ્ય ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી

સર.ટી હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને દવાની સાથોસાથ દર્દીનું મનોબળ મજબૂત બને તે માટે સતત પરિશ્રમ કર્યો હતો. મહાનગરપાલિકા, આરોગ્ય ટીમ અને પોલીસ તંત્રની સજાગતાના કારણે કોરોનાને ભાવનગરમાં અટકવું પડયું. બીજી તરફ સંક્રમણ ફેલાઈ નહીં તે માટે જે વિસ્તારમાંથી પોઝિટિવ કેસ આવ્યા હતાં. તે વિસ્તારોને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી પતારા અને બેરીકેટ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતાં. એટલું જ નહીં લોકડાઉનના કડક અમલ માટે બેરીકેટ બાંધી અન્ય રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા હતાં. જે વિસ્તારમાંથી પોઝિટિવ કેસ આવ્યા હતાં ત્યાં સેનેટાઈઝીંગ કરવામાં આવેલ અને આરોગ્ય ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તારમાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી સી.સી.ટીવી કેમેરા અને ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવતી હતી. આમ કોરોનાને મ્હાત આપવા તમામ માઈક્રો પ્લાનિંગ સાથે સખત મહેનત કરી રહ્યું હતું.  તેની સાથોસાથ લોકોમાં પણ જાગૃતિ આવી હતી અને આરોગ્યની જાળવણી બાબતે સચેત બની ગયા હતાં. 

તમામે ખૂબ જ સારી કામગીરી કરી: વિભાવરીબેન દવે

રાજયમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે શહેર અને જિલ્લામાં શરૂઆતમાં ખૂબ જ વધુ કેસ આવતા તમામ ચિંતિત હતાં. પરંતુ તમામે ખૂબ જ સારી કામગીરી કરી અને આજે 82 ટકા ઉપરાંત રીકવરી સાથે ભાવનગર આગળ છે. 

(ભરત વ્યાસ, ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...