ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ચાલતી સ્કાઉટિંગ પ્રવૃત્તિ માત્ર ગુજરાત રાજ્ય નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં નોંધનીય છે. 1923માં પ્રાતઃસ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તાલીમ સાથે ભાવેણાની ભૂમિ પર સર્વાંગી વિકાસની આ તાલીમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રવૃત્તિને દિવાન પ્રભાશંકર પટણી, અનંતરાય પટણીથી શરૂ કરી માનભાઈ ભટ્ટ સુધીનાએ સતત ધબકતી રાખી અને જીવંત રાખી જેના કારણે 2023માં આ પ્રવૃત્તિના 100 વર્ષનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.
મહોત્સવ દરમિયાન 100 શાળાઓની મુલાકાત
રાષ્ટ્રપ્રેમ સેવા, સ્વાવલંબન, શિસ્ત સાહસ જેવા ગુણો વિકસાવતી આ પ્રવૃત્તિએ સૌ વર્ષ દરમિયાન અનેક ઉમદા નાગરિકો આપ્યા છે. ઉતાર ચડાવ પછી પણ આજે આ પ્રવૃત્તિ સતત ચાલી રહી છે અને શહેર જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓના બાળકો તેનો લાભ લઈ રહ્યા છે. 2023ની સાલ તે આ પ્રવૃત્તિનું શતાબ્દી વર્ષ છે ત્યારે જુલાઈ 2022 થી જુલાઈ 2023 સુધી ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયુ છે. આ મહોત્સવ દરમિયાન 100 શાળાઓની મુલાકાત અને સ્કાઉટિંગ પ્રવૃત્તિનો પરિચય, જિલ્લા રેલી પરિચય કેમ્પ, પ્રકૃતિ પરિચય શિબિર, નાઇટ ટ્રેકિંગ, શર્કિંગ, સહિતના 100 નાના-મોટા કાર્યક્રમો યોજાશે.
એક સમયે આ પ્રવૃત્તિ બંધ થવાની હતી
આ અંગે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈટ સંઘના જિલ્લા મંત્રી દ્વારા જણાવ્યું હતું કે, એક સમયે આ પ્રવૃત્તિ બંધ થવાની હતી, પણ માનભાઈ ભટ્ટે અથાગ પ્રયત્નો કર્યા અને આ પ્રવૃત્તિને ચાલુ રાખી હતી. જિલ્લા સંઘના નેતૃત્વમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી ચૂક્યા છે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખરી કમાઈ રનિંગ શિલ્ડ વિદ્યાધીશ શાળાને આપવામાં આવ્યો હતો. જ્યારે શ્રેષ્ઠ સંખ્યામાં સ્વામિનારાયણ ગુરુકુળ સદાનગરને શિલ્ડ આપવામાં આવ્યો હતો, આજના કાર્યક્રમમાં સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતા.
અનેક વિશેષ કાર્યક્રમનું આયોજનસ્કાઉટિંગ પ્રવૃત્તિ તે હંમેશા સમયને સાથે બદલાવને સ્વીકારનારી રહી છે. કોરોના કાળ દરમિયાન વેબિનાર અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. તો આ વર્ષ દરમિયાન પણ સાયબર અવેરનેસ, ડોક્ટર ટોક, બ્લડ ગ્રુપીંગ, થેલેસેમિયા, આપણા દેશને ઓળખીએ જેવા વિશેષ કાર્યક્રમ યોજવાના છે. આ સમગ્ર શતાબ્દી મહોત્સવના આયોજન માટે વિશેષ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને તેના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
સ્કાઉટર્સ ગાઈડર્સે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી ચૂક્યાં
સ્કાઉટિંગ પ્રવૃત્તિ તે બિનસરકારી અને સ્વૈચ્છિક પ્રવૃત્તિ છે. ભાવનગરના સ્કાઉટર્સ ગાઈડર્સે જિલ્લા સંઘના નેતૃત્વમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી ચૂક્યા છે. શતાબ્દી મહોત્સવ દરમિયાન આ તમામને પણ સાથે જોડવાનું આયોજન કરાયું છે. આ રીતે જુલાઈ 2023 સુધીનું વર્ષ ભાવનગરમાં સ્કાઉટીંગ પ્રવૃત્તિનું વર્ષ બની રહેશે. તેમા સક્રિય રીતે જોડાવા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, અગ્રણીઓ, શિક્ષણવિદો અને શુભેચ્છકોએ તૈયારી બતાવી છે.
વિશ્વના 216 દેશમાં આ પ્રવૃત્તિ ચાલે છે
સ્કાઉટના નેશનલ કમિશનર મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, આવતા દિવસોમાં ગુજરાત સરકાર આ પ્રવૃત્તિ માટે ખૂબ ચિંતિત છે. વડાપ્રધાન મોદીએ પણ બે કાર્યક્રમો રજૂ કર્યા હતા. સી સ્કાઉટ અને વેન બંધુ સ્કાઉટ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ભાવનગર જિલ્લો સ્કાઉટીંગ પ્રવૃત્તિમાં મોખરે રહ્યો છે. વિશ્વના 216 દેશમાં આ પ્રવૃત્તિ ચાલે છે. સ્કાઉટિંગ પ્રવૃત્તિ એવી છે કે થીયરી અને પ્રેક્ટીકલ બંને પ્રાપ્ત થાય છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને નવો વિચાર આવ્યો છે. જેમાં સ્કાઉટિંગ પ્રવૃત્તિથી રાજ્યપાલ એવોર્ડ મળ્યો હોય તેવા બાળકને સર્વિસ દરમિયાન પાંચ માર્ક વધારાના મળે તેવા વિચાર વ્યક્ત કર્યો છે. જીતુ વાઘાણીએ આ વખતે બજેટમાં સ્કાઉટીંગ પ્રવૃત્તિ માટે એક કરોડ ફાળવ્યાં છે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભારત સ્કાઉટ ગાઈડ સંધના નેશનલ સ્કાઉટ કમિશનર મનીષકુમાર મહેતા, યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ.ગીરીશ વાઘાણી, સર પી.પી. સાયન્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.જી.એમ સુતરીયા, શહેર ભાજપા પ્રમુખ રાજીવ પંડ્યા, ન.પ્રા.શિ.સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદી, જિલ્લા પ્રમુખ નિશિત મેહતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્કાઉટીંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલા સ્કાઉટ ગાઈડ, શિક્ષકો, શાળાના આચાર્યઓ અને શ્રેષ્ઠીઓ પણ બાળકોને પ્રોત્સાહિત કરવા ખાસ હાજરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.