ભીતિ:મહુવાના માલણ નદી પરનો જર્જરીત પુલ કયારેક મોટી દુર્ઘટના નોતરશે

મહુવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુલ પર મોટા ગાબડા પડી ગયા, લોખંડની પ્લેટો પણ બહાર દેખાઇ
  • દાઠા નજીક પુલ બેસી ગયો : આ પુલની પણ આવી હાલત થાય તો ...

મહુવા, સાવરકુંડલા, રાજુલા, ભાવનગર બાયપાસ ઉપરનો મહુવા પાસેના માલણ નદી ઉપરનો એન.એચ.51 ઉપર આવેલો નવપુલ તરીકે ઓળખાતો પુલ તદ્દન જર્જરીત હાલતમાં પહોંચેલ છે. ચિત્રકુટધામ, બગદાણા, હનુમંત સ્કૂલ, કોલેજ, સદ્દભાવના હોસ્પિટલ, તાલુકા સેવા સદન જવા માટે નવપુલનો ઉપયોગ ફરજીયાત છે. તળાજાની શેત્રુંજી નદીના અને દાઠાની નદી ઉપરનો પુલ તૂટી પડતા જે પરીસ્થિતી સર્જાણી હતી તેવી સ્થિતી નવપુલની થાય તે પહેલા સમયસર પગલા ભરવા માંગ ઉભી થવા પામી છે.

એન.એચ.51 ઉપરનો નવપુલ સને 2014 થી જર્જરીત થયો હતો જે અન્વયે અનેકો રજુઆત છતા તંત્ર દ્વારા કોઇ લક્ષ ન અપાતા હાલ નવપુલ તદ્દન જર્જરીત હાલતમાં આવી ગયો છે. પુલ ઉપર મોટા મોટા ગાબડા પડી ગયા છે. પુલની લોખંડની પ્લેટો પણ બહાર દેખાઇ રહી ગઇ છે.આ પુલ ઉપર મહુવા જી.આઇ.ડી.સી., પીપાવાવ, કોવાયા, સહિત સોમનાથ રોડ ઉપરનો અને સાવરકુંડલા રોડ ઉપરનો ભારે વાહનો સતત અવર- જવર કરે છે તેવા સંજોગોમાં પુલ બેસી જાય,તૂટી જાય તો ભારે જાનહાની સર્જાય તેવી દહેશત ઉભી થઇ છે.

તળાજાની શેત્રુંજી નદીનો પુલ ભારે વાહનના કારણે બેસી ગયો હતો. બે થી ત્રણ ગાળા તુટીને નીચે પડી ગયા હતા અને પુલ બન્યો ત્યાં સુધી લાંબો સમય ડાયવર્ઝન ઉભુ કરવું પડેલ હતું અને તાજેતરમાં દાઠા નદીનો પુલ બેસી જતા દાઠા સંપર્ક વિહોણું બન્યુ છે.આવી સ્થિતી મહુવાના નવપુલની ન થાય તે માટે આ પુલને તાકિદે રીપેરી કરવાની જરૂરીયાત ઉભી થઇ છે. જર્જરીત પુલના કારણે ગમે ત્યારે કોઇ મોટી દુઘટના સર્જાય તો જવાબદારી કોણ લેશે ?

2014થી પુલની દુદર્શા પણ તંત્રનું દુર્લક્ષ
આ પુલ ઉપરથી પસાર થતાં હજારો વાહન ચાલકો જીવના જોખમે પસાર થઇ રહ્યાં છે.મહુવા સીટીમાંથી માલણ નદીના બીજા પુલ પર જવા માટેનો રસ્તો ભારે વાહનો માટે પ્રતિબંધિત છે આથી રોજના હજારો વાહનો, સ્કૂલબસ, હેવી લોડેડ ટોરસ ટ્રક આ પુલ ઉપરથી ફરજીયાત પણે પસાર થવું પડે છે.

મહુવાના માલણ નદીના જર્જરીત પુલનો પ્રશ્ન સને 2014 થી ઉભો થયો છે. તેમ છતા મહુવાના વિવિધ રાજકીય,વેપારી, સામાજીક, ગ્રાહક સુરક્ષા, ટ્રાન્સપોર્ટ વગેરે સંગઠનો મૌન હોય પુલનો જીર્ણોદ્ધાર આજ સુધી થવા પામેલ નથી. મહુવાના પ્રાંત અધિકારી દ્વારા પુલની જાત ચકાસણી કરી યોગ્ય હુકમ કરવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...