પૂ઼.મોરારિબાપુના સાનિધ્યમાં અને પુ.સીતારામબાપુની વિશેષ ઉપસ્થિતિમાં 21 તથા 22મો ચિત્રકૂટ એવોર્ડ એનાયત સમારંભ,નિવૃત્ત શિક્ષકોનું સન્માન સાથે શૈક્ષણિક સંમેલનનું આયોજન ચિત્રકૂટધામ કે.વ.શાળા તલગાજરડા ખાતે કરવામાં આવેલ છે.પૂજ્ય મોરારીબાપુ દ્વારા પ્રતિવર્ષ નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને એનાયત થતો ચિત્રકૂટ પારિતોષિક એવોર્ડ રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં ગૌરવવંતો અને મૂલ્યવાન લેખાય છે.
રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ આગામી તા.11-5-22 ને બુધવારે 9 વાગે પૂ. મોરારીબાપુ દ્વારા એનાયત થશે. સને 2000ની સાલથી પ્રારંભાયેલા આ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રતિ વર્ષ અર્પણ થાય છે. તલગાજરડાની કેન્દ્રવતી શાળા- ચિત્રકુટ ધામ ખાતે કુલ મળીને 66 પ્રાથમિક શિક્ષક ભાઈ - બહેનોની પૂ. મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે.
આ પારિતોષિકથી પુરસ્કૃત શિક્ષકોને પૂજ્ય મોરારીબાપુ દ્વારા પ્રત્યેકને રૂ.25000 રૂપિયા, સૂત્રમાલા, રામનામી, કાળી કામળી તેમજ સન્માનપત્ર થી સન્માનિત કરવામાં આવશે. પૂ. સીતારામબાપુ અધેવાડા પણ પુરસ્કૃતને સુંદરકાંડના પુસ્તકથી સન્માનિત કરશે.મહુવા તાલુકાના શિક્ષક સંઘના અધિવેશન સાથે આ દિવસે મહુવા તાલુકામાંથી સેવા નિવૃત્ત થનાર પ્રાથમિક શિક્ષક બહેનો- ભાઈઓને પણ સન્માન સાથે વિદાય નિવૃત્તિ આપવામાં આવશે.
પાલિતાણા અને વલભીપુરના શિક્ષકની પસંદગી
ગુજરાતના દરેક જિલ્લામાંથી એક પ્રાથમિક શિક્ષકને આ એવોર્ડ એનાયત થશે. જેમાં સને 2020ના 33 એવોર્ડ તેમજ 2021ના વર્ષના 33 એમ કુલ મળીને 66 શિક્ષકોને આ એવોર્ડ એનાયત થશે. આ 21 અને 22 માં ચિત્રકૂટ એવોર્ડની ઘોષણા થઇ હતી.ગત કોરોના કાળના સમયગાળામાં ચિત્રકૂટ એવોર્ડ કાર્યક્રમ સ્થગિત રહયો હતો.
જે બે વર્ષના એવોર્ડ સાથે એનાયત થશે.ચિત્રકુટ પારિતોષિક 2020માં ભાવનગર જીલ્લાની ઝવેરચંદ પ્રાથમિક શાળા,પાલીતાણાના નાથાભાઇ નોંઘાભાઇ ચાવડા સહિત રાજયના 33 શિક્ષકો અને 2021માં ભાવનગર જીલ્લાના હરિઓમ કન્યા શાળા વલ્લભીપુરના શિક્ષક લીલાબેન ધુળાભાઇ ઠાકરડા સહિત 33 શિક્ષકોને ચિત્રકુટ પારિતોષિક એનાયત કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.