ચકકાજામ:મહુવાની જનતા માટે માથાનો દુ:ખાવો બની ગયેલી ટ્રાફીકની સમસ્યા ઉકેલો

મહુવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાસીતળાવ માર્ગ પર દિવસના અનેક વખત ચકકાજામ સર્જાય છે
  • ડો.સ્ટ્રીટના રોડ પર દિવાળીના તહેવારોમાં આડેધડ વાહન પાર્કીંગનો પ્રશ્ન પેચીદો બન્યો

મહુવા શહેરમાં ચોક્કસ વિસ્તારમાં ખાસ કરીને ડો.સ્ટ્રીટના રોડ ઉપર દિવાળીના તહેવારોમાં આડેધડ વાહન પાર્કીંગનો પ્રશ્ન પેચીદો બન્યો છે. ભાદ્રોડ ઝાંપા વિસ્તારમાં પણ આજ રીતે આડેધડ પાર્કીંગ અને ટ્રાફીકનો પ્રશ્ન હતો જે હલ કરવા મહુવા પોલીસ દ્વારા કરવામાં આવેલા સઘન પ્રયત્નોના કારણે આ વિસ્તારના ટ્રાફીક-પાર્કિંગના પ્રશ્નો હલ થઇ રહ્યો છે તે જ રીતે ડોક્ટર સ્ટ્રીટ રોડનો પાર્કિંગનો પ્રશ્ન હલ કરવા માંગ ઉભી થવા પામી છે.

ડોકટર સ્ટ્રીટના નામે ઓળખાતો વાસીતળાવથી વાછડાવીર સુધીના રસ્તા ઉપર વાહનો માટે સવારે 8 થી રાત્રીના 8 સુધી નો પાર્કિંગ ઝોન અને વાહનો ઉપર અગાઉ પ્રતિબંધ મુકવામાં આવેલ હતો તેમ છતા આ રોડ ઉપર જુદી જુદી લારીઓ ખડકાયેલી રહેતી હોય છે રીક્ષાઓ પણ અડીંગો જમાવી ઉભી હોય છે. આથી આ રોડ ઉપર દિવસના અનેક વખત ચકકાજામ સર્જાય છે.

ડોક્ટર સ્ટ્રીટ રોડ ઉપર વાહન પાર્કિગ ઉપરાતં લારીના ખડકલા તેમજ પડદા પાટિયા તેમજ રોડ ઉપર માલના પાર્સલ તેમજ દુકાનની બન્ને બાજુ સાઇન બોર્ડ ગોઠવી ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવે છે. આ રોડ ઉપર ટ્રાફિકના પ્રશ્નો વારંવાર ઉભા થાય છે. દિવાળીના દિવસોમાં આ રોડ પર સતત પેટ્રોલીંગ પણ ગોઠવવું જરૂરી છે.

ડોકટર સ્ટ્રીટના માત્ર 500 મીટરના રોડ ઉપર તેમજ જુના શહેરના માત્ર 12 થી 15 ફુટના પહોળા રોડ ઉપર ભારે વાહન પ્રવેશ પ્રતિબંધનો અમલ કરવામાં આવે અને ફોર વ્હીલ વાહન ઉપર પ્રતિબંધનો અમલ કરવામાં આવે અને રોડની ટ્રાફિક અડચણ દુર કરવા માટે ભાદ્રોડ ઝાંપા માફક સતત અને સઘન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો મહુવાની માથાના દુ:ખાવા સમાન આ રોડની ટ્રાફીક સમસ્યા હલ થાય.

અન્ય સમાચારો પણ છે...