નિમણૂંક:શિક્ષિકાની ખોટી વધ બતાવી પસંદગીની શાળામાં ગોઠવી દીધા

મહુવા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાનપુરા શાળામાં અન્ય શિક્ષકની નિમણૂંક પણ કરાઈ

મહુવા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કોરોનાકાળમાં બદલીઓમાં રમત રમાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. તો સરકારી નીતિનિયમોની નવે મૂકી બદલી પ્રકરણ બહાર આવ્યું છે, જેમાં ભગવાનપુરા પ્રાથમિક શાળામાં તો એક જ દિવસે કેમ્પમાં ખોટી વધ બતાવીને શિક્ષિકાને પસંદગીની જગ્યા પર ગોઠવી દીધા બાદ ખાલી જગ્યા પર ઘટ બતાવી કાયદેસર વધ ધરાવતા શિક્ષકની બદલી કરી છે.

કોરોનાકાળમાં પણ બદલીઓમાં ખેલ પાડનાર ખેલાડીઓ ચૂપ નહિ રહ્યા હોવાનું જણાય રહ્યું છે. 5/12/2020ના હુકમ અન્વયે મહુવા તાલુકાની ભગવાનપુરા વાંક પ્રાથમિક શાળાના ધોરણ 1થી 5ના શિક્ષિકા સુનિતાબેન પટેલની વધ નહિ હોવા છતાં વધ બતાવી બદલી કરી શિક્ષકની પસંદગીની ગુણસવેલ શાળામાં બદલી કરવામાં આવી હતી.

ખોટી વધ બતાવી બદલી કરી આ જ શાળામાં એ જ દિવસે ઘટ બતાવી નિહાલી પ્રાથમિક શાળામાં કાયદેસર વધ પામેલા શિક્ષકનો બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો.એક જ શાળામાં એક જ કેમ્પમાં વધ અને ઘટના નામે બે હુકમો કરાયા હોય તે મહુવા તાલુકાના શિક્ષણ જગત અને જિલ્લા કચેરીએ ચાલતી બેધારી નીતિની સાથે ગેરરીતીની ચાડી ખાય છે.

એક જ શાળામાં વધ-ઘટના નામે હુકમ
ભગવાનપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકાની ખોટી વધ બતાવી બદલી કરવાનો હુકમ અને એ જ જગ્યા પર અન્ય શાળામાં કાયદેસર વધ પામી આવેલ શિક્ષકનો હુકમ, આમ એક જ દિવસના વિસંગતતા ભર્યા બે હુકમો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યા હોય એમા પણ શરતચૂક હોય એ વાત જાગૃતોને ગળે ઉતરતી નથી.

આ બાબતે મને કોઇ જાણ નથી
આ બદલીઓના સમયગાળા દરમિયાન મારી મહુવા તાલુકામાં ફરજ નહિ હોય જેથી આ બાબતે મને કોઈ જાણ નથી. > કેતનભાઈ ચૌધરી, ટીપીઈઓ,મહુવા

અન્ય સમાચારો પણ છે...