ડુંગળીના કારોબારમાં મહુવાનો ડંકો:ડુંગળીના નિકાસ માટે રેલવે રેન્ક માટે ટટળાવે છે

મહુવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવા તથા આજુબાજુના વિસ્તારમાં લાલ અને સફેદ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર
  • લાલ ડુંગળીની દૈનિક 60 થી 79 હજાર થેલાની અને સફેદ ડુંગળી 10 થી 19 હજાર થેલાની આવક સાથે મળી રહ્યાં છે ઉંચા ભાવ

જે.પી.દોશી

​​​​​​​મહુવા તથા આજુબાજુના વિસ્તારમાં લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે અને તેને એક્સપોર્ટ કરવા માટેના ડીહાઇડ્રેશન પણ મહુવા શહેરમાં ઘણા કાર્યરત છે પરંતું ડુંગળી દેશભરમાં પહોચાડવા યોગ્ય સુવિધા રેલવે તંત્ર તરફથી પ્રાપ્ત થાય તો રોડ માર્ગે માલ મોકલવાના ઉંચા ભાડા ખર્ચથી બચી શકાય જેનો સીધો ફાયદો ખેડુતોને થાય. મહુવા પાસે બ્રોડગેજ લાઇન છે છતા સમયસર અને જોઇતા પ્રમાણમાં રેંક મળતી ન હોય મહુવાની લાલ ડુંગળીનું બજાર પંજાબ છેલ્લા બે-ત્રણ વર્ષથી મહારાષ્ટ્રનાં હાથમાં જતુ રહ્યું છે. રેલ્વેની રેંક માટે ડુંગળીના ખેડૂતોને દર વર્ષે જાણે ભીખ માગવી પડતી હોય તેવી સ્થિતિ ઉભી થાય છે.જો કે મોટાભાગે જેટલી જરૂર હોય તે પ્રમાણે માંગણી પ્રમાણે રેન્ક ફાળવવામાં આવતી હોય છે.એક અંદાજ મુજબ 40 થી 50 રેન્કની માંગણી કરવામાં આવતી હોય છે.

ચાલુ વર્ષે વરસાદના કારણે ખરીફ તથા રવિ ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્ર ભરમાં ગત સાલની સરખામણીએ ઓછુ થયેલ છે. ખાસ કરીને લાલ ડુંગળી કાંજી(કળી)નું વાવેતર સારા પ્રમાણમાં થયેલ છે. તથા સફેદ ડુંગળીનું વાવેતર ઓછું થયેલ છે. સાથે સાથે ઓછા વરસાદના કારણે ખેડુતો પાસે પિયતની સગવડતા ન રહેતા ઉનાળુ મેડા માલના વાવેતરમાં પણ કાપ મુકાશે.

હાલમાં ખરીફ ડુંગળી તથા કાંજીની ડુંગળીની આવક મહુવા યાર્ડમાં શરૂ થયેલ છે. ગત સિઝનમાં જાન્યુઆરી થી મે માસ દરમિયાન મહુવા માર્કેટીંગ યાર્ડમાં લાલ કાંદા 44,27,507 થેલાની આવક થયેલ જેનો ઉંચો ભાવ રૂ.540/- હતો. હાલ જાન્યુઆરી માસમાં લાલ ડુંગળીની રોજની 60 થી 79 હજાર થેલાની આવક છે, જેનો ઉંચો ભાવ રૂ.300/- મળી રહ્યો છે.

જયારે સફેદ ડુંગળી ગત જાન્યુઆરી થી મે માસમાં 75,17,782 થેલાની આવક થયેલ, જેનો ઉંચો ભાવ રૂ.535/- હતો. હાલ દરરોજ સફેદ ડુંગળી 10 થી 19 હજાર થેલાની આવક અને ઉંચો ભાવ રૂ.261/- મળી રહેલ છે. ગત સાલની સરખામણીમાં ખેડુતોને ભાવો નીચા મળી રહેલ છે. તથા હજુ આવકમાં વધારો થશે. જેથી હજુ ભાવો વધુ નીચા જઇ શકે છે. ત્યારે ખેડુતોને દર સાલ ડુંગળીમાં બિયારણથી લઇ કાપણી અને વેચાણ સુધીની પ્રક્રિયામાં ખર્ચ વધુ થવા પામે છે. તેથી ઘટતા ભાવોથી ખેડુતોમાં પણ ચિંતા જોવા મળી રહેલ છે.

ડુંગળીની નિકાસ માટે મોટાભાગે માંગણી પ્રમાણે રેન્ક ફાળવવામાં આવતી હોય છે
ડુંગળીની નિકાસ માટે દર વર્ષે 40 થી 50 રેન્કની માંગણી કરવામાં આવે છે. મોટાભાગે માંગણી પ્રમાણે રેન્ક ફાળવવામાં આવતી હોય છે.જયારે ડુંગળીનો ભાવ ઉંચો હોય ત્યારે ટ્રાન્સપોર્ટ દ્વારા નિકાસ કરવામાં આવતો હોય છે. ડુંગળીના ભાવ નીચા હોય ત્યારે જરૂરીયાત પ્રમાણે રેલ્વે પાસે રેન્કની માંગણી કરવામાં આવે છે.

કયાં કયાં થાય છે નિકાસ
મહુવામાંથી સૌથી વધારે નિકાસ યુરોપના દેશોમાં થાય છે. કેટલેક અંશે અમેરિકામાં પણ થાય છે તેમજ મહુવામાંથી દિલ્લી, પંજાબ, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કશ્મીર, રાજસ્થાન, ઉત્તર ગુજરાત વિસ્તારમાં ડુંગળી વેચાણ માટે જતી હોય છે.

બંદરનો વિકાસ થાય તો ડુંગળીનો વ્યાપાર પણ વધે
વર્ષો પહેલા મહુવાનું બંદર દરીયાઇ વાહન વ્યવહાર માટે સુપ્રસિધ્ધ હતુ આથી મહુવા, મહુવા બંદર તરીકે આજે પણ પ્રખ્યાત છે. જો મહુવા બંદરનો પુનરોધ્ધાર કરવામાં આવે અને મહુવા બંદરના વિકાસની સાથે ડુંગળીના વ્યાપારનો પણ વિકાસ થાય.

યાર્ડમાં કૃષિ વૈજ્ઞાનીકોની મિટીંગમાં ડુંગળીના ઉત્પાદન અંગે વિચારણા
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવામાં ડાયરેકટરેટ ઓફ ઓનિયન ગાર્લિક રિસર્ચ પુનાની QRT ટીમ તથા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન કૃષિ વૈજ્ઞાનિકોની મિટીંગ મળી હતી જેમાં ડુંગળી પકવતા ખેડૂતો તથા ડુંગળીના ઉદ્યોગકારો સાથે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઇ હતી.

​​​​​​​મિટિંગમાં ડુંગળીના ઉત્પાદન, બજાર ભાવ, નિકાસ વગેરે બાબતે ચર્ચાઓ થઇ હતી. જેનો અહેવાલ તૈયાર કરી ઉપસ્થિત રહેલ ટીમ દ્વારા ભારત સરકારમાં આપવામાં આવશે. અહેવાલમાં સરકાર દ્વારા ડુંગળી નીતિ બનાવી તેનો અમલ થવો જોઈએ તેવો ઉલ્લેખ ઘનશ્યામભાઈ પટેલે કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...