મુશ્કેલી:એક લાખની વસતીમાં મહુવામાં માત્ર એક પોસ્ટ ઓફીસની સુવિધા

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી માટે વાત જ કયાં કરવી, વસતિના પ્રમાણમાં સુવિધા વધારવાને બદલે ઘટાડી
  • એક સમયે ચાર પોસ્ટ ઓફીસ કાર્યરત હતી હવે માત્ર એક જ

મહુવામાં અગાઉ ગાંધીબાગ, વાસીતળાવ, બજાર અને નવા ઝાપા ગોપનાથ મંદિર પાસે પોસ્ટ ઓફિસ કાર્યરત હતી જેથી લોકોને ચાર સ્થળોએ લોકોને પોસ્ટલ સેવાનો લાભ મળતો હતો.પોસ્ટ વિભાગે મહુવાનો વિસ્તાર અને વસ્તી વધી તેમ પોસ્ટલ સેવાનો વિસ્તાર વધારવાના બદલે ઘટાડતા આજે મહુવામાં માત્ર એક જ મુખ્ય પોસ્ટ ઓફિસ કાર્યરત છે તેમાં પણ સ્ટાફના અભાવે લોકોના કામ થતા નથી.

મહુવાની એક લાખ ઉપરાંતની વસ્તી 10 ચો.કી.મી.ના વિસ્તારમાં વસવાટ કરે છે. સોસાયટીના વિકાસ પામેલા વિસ્તારમાં નવી પોસ્ટ ઓફિસની માંગ હોવા છતા શહેરની અન્ય 3 પોસ્ટ ઓફિસો તબક્કાવાર બંધ કરી પોસ્ટલ સેવા વધારવાના બદલે ઘટાડતા લોકોમાં ભારે રોષ ઉભો થવા પામેલ છે. હાલ મહુવામાં એક માત્ર પોસ્ટ ઓફિસ વાસીતળાવ જે.પી.પારેખ હાઇસ્કુલના ઢાળમાં કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે કાર્યરત રહેવા પામી છે જેથી સીનીયર સીટીઝન અને વિધવા બહેનોને ભારે મુશ્કેલી પડી રહી છે.

પોસ્ટ ઓફિસના મર્જર બાદ મહેકમ પુરૂ કરવાને બદલે કર્મચારીઓની અન્યત્ર બદલી કરી અને તાલીમોમાં કર્મચારીઓને મોકલી મહુવા પોસ્ટ ઓફિસ કર્મચારીઓ વગરની કરી નાખવામાં આવી પરંતુ 1 લાખની વસ્તીના તમામ પોસ્ટલ અને નાની બચત સહિતની પોસ્ટલ બેંકિંગ કામગીરી એક સ્થળે થતી હોય કલાકો કતારોમાં ઉભા રહ્યા બાદ પોસ્ટલ અને પોસ્ટલ બેકીંગ સેવાનો લાભ લોકોને મળે છે.

મહુવાના લોકોને ઉત્તમ પોસ્ટલ સુવિદ્યા, પોસ્ટલ સેવિંગ બેંકીંગ સુવિદ્યા, નાની બચત યોજના સહિતની અન્ય સેવા જેવી કે પાસપોર્ટ, સોનાના સિક્કાનુ વેચાણ, ટેલીફોન બીલ, આધારકાર્ડ વગેરે યોગ્ય રીતે નજીકમાં સરળતાથી પ્રાપ્ત થાય તે માટે મહુવાના સોસાયટી વિસ્તાર સહિત અલગ અલગ વિસ્તારમાં અન્ય 3 પોસ્ટ ઓફિસ શરૂ કરવા નગરજનોમાં માંગ ઉભી થવા પામી છે.

33 હજાર ખાતા ધારકોને એક પર જ આધાર
મહુવાનું 6 પોસ્ટમેનનું સેટઅપ છે જેની જગ્યાએ 5 પોસ્ટમેન કાર્યરત છે. પોસ્ટ ઓફીસમાં 11 કલાર્કની જગ્યા સામે 4-5 કલાર્ક હોય પોસ્ટ ઓફીસના તમામ કામો ખોરંભે પડી રહ્યાં છે. મુખ્ય પોસ્ટ ઓફિસમાં માત્ર મહુવાના લોકોનુ નહી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ અને પોસ્ટ સેવા આપતા કર્મચારીઓના કામો પણ આવતા હોય છે.પોસ્ટ ઓફીસમાં 33 હજાર ખાતા કાર્યરત હોય અને નાની બચતની કામગીરી પણ બહોળા પ્રમાણમાં થતી હોય બચતદારો પણ હેરાન થઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...