લાલ ડુંગળીમાં સતત નીચા ભાવના કારણે ખેડુતોને થઇ રહેલ નુકશાન અંગે તાજેતરમાં મહુવા યાર્ડના ચેરમેન તથા મહુવા ભાવનગરના ધારાસભ્યોએ સરકારમાં ખેડુતોને થઇ રહેલ નુકશાન માટે સબસીડી જાહેર કરવા જણાવેલ. જે અન્વયે આજે રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે રૂ.70 કરોડની સહાય જાહેર કરતા ખેડુતો આનંદમાં આવ્યા હતા.
ગત ફેબ્રુઆરી-2023માં લાલ ડુંગળીના ભાવ સરેરાશ રૂ.40 થી રૂ.140 સુધી રહેવા પામેલ. જેમાં ખેડુતોને ઉપજના પૈસા પણ ઉપજતા ન હોય જેની રાજય સરકારમાં મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, મહુવાના ધારાસભ્ય શીવાભાઇ ગોહિલ, પૂર્વમંત્રી જીતુભાઇ વાઘાણી, તળાજાના ધારાસભ્ય ગૌત્તમભાઇ ચૌહાણ સહિતનાઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆતને ગંભીરતાથી સાંભળી ખેડુતોને થઇ રહેલ નુકશાનને ધ્યાનમાં લઇ યોગ્ય નિર્ણય લેવા જણાવેલ.
ખેડુતોની મુશ્કેલીને ધ્યાનમાં લઇ રાજય સરકારે રૂ.70 કરોડની તથા ટ્રાન્સપોર્ટ સબસીડી પણ જાહેર કરેલ છે. મહુવા યાર્ડમાં ગત ફેબ્રુઆરી માસમાં 18 લાખ થેલા લાલ ડુંગળીની આવક થયેલ છે. આ સહાયમાં 1 કિલો ડુંગળીએ રૂ.2 ની સહાય જાહેર કરેલ છે. જેમાં એક ખેડુતને વધારેમાં વધારે 500 થેલી અને રૂ.50 હજારની સહાય મળશે. મહુવા યાર્ડમાં આ સહાય મેળવવા અંદાજે 8 થી 10 હજાર અરજીઓ આવવાની શક્યતાઓ છે.
તેમજ રેલ્વે અને રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા જે ખેડુતો તથા વેપારીઓએ લાલ ડુંગળીનું ટ્રાન્સપોર્ટેશન કર્યુ હશે તેઓને પણ સબસીડી જાહેર કરેલ છે.સરકાર દ્વારા લાલ કાંદા પકવતા ખેડુતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલએ મુખ્યમંત્રી, કૃષિમંત્રી તથા ધારાસભ્ય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.