રાજય સરકાર દ્વારા દરેક જિલ્લામાં અને શહેરોમાં એસ.ટી.સ્ટેન્ડને કરોડોના ખર્ચે આધુનિકીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.જિલ્લા મથક ભાવનગરમાં પણ હજુ થોડા મહિના પહેલા જ અત્યાધુનિક એસ.ટી.બસ સ્ટેન્ડનું લોકોર્પણ કરવામાં આવ્યુ છે.
બાદમાં હવે ભાવનગર જિલ્લાના સૌથી મોટા તાલુકા મથક મહુવામાં પણ કરોડોના ખર્ચે એસ.ટી.સ્ટેન્ડ બનવા જઇ રહયું છે જેનુ ટુંક સમયમાં જનતા માટે લોકાર્પિત કરવામાં આવશે. નવુ એસ.ટી. સ્ટેન્ડ બની રહેલ છે પરંતુ આધુનિક સુવિદ્યાઓથી સજ્જ કરવાની કામગીરી ધીમીગતિએ શરૂ છે. વહેલીતકે બસ સ્ટેશનનુ કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ મુસાફરોમાં ઉભી થવા પામી છે.
મહુવા એસ.ટી. સ્ટેન્ડને આધુનિક રૂપરંગ આપી નવુ બનાવવાનું ખાતમુહૂર્ત 1લી જાન્યુઆરી-2021ના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ્દહસ્તે ડિઝીટલ ખાતમુહુર્ત કરવામાં આવેલ. જેનો ખર્ચ રૂ.4.5 કરોડ આસપાસ અંદાજવામાં આવેલ છે.
અંદાજે એક વર્ષથી વધુ સમયથી બની રહેલા આ આધુનિક એસ.ટી.ડેપોનું કામ હવે ટુંક સમયમાં પુરૂ થનાર હોય આવતા મહિનામાં લોકાર્પણ કરવામાં આવશે તેમ ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવેલ છે. મહુવા એસ.ટી.ડેપો દ્વારા 65 જેટલા રૂટનું સંચાલન થતું હતુ હાલમાં મહુવાથી હવે માત્ર 40 જેટલા રૂટોનું સંચાલન થાય છે.
હાલના કામચલાઉ બસ સ્ટેન્ડમાં મુશ્કેલી
હાલમાં કામચલાઉ એસ.ટી. સ્ટેન્ડમાં જાહેર શૌચાલય જર્જરીત હાલતમાં હોય તેમજ નિયમિત સાફ સફાઇ કરવામાં આવતી ન હોય ગંદકી ફેલાય છે. જેથી મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એસ.ટી. સ્ટેન્ડની સાથે સાથે શૌચાલયનું પણ નવ નિર્માણ થાય તેમ મુસાફરો ઇચ્છી રહ્યાં છે. હાલ ઉનાળો શરૂ થઇ ગયેલ હોય ગરમીમાં મુસાફરો માટે તરસની તુપ્તિ માટે બસ સ્ટેન્ડમાં અને ડેપોમાં પાણીની પુરતી સુવિધા નથી. એસ.ટી. સ્ટેન્ડમાં વહેલીતકે જલકુટીર શરૂ કરવામાં આવે તેવી માંગ મુસાફરોમાં ઉભી થવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.