ત્રાહીમામ:મહુવાનો 80 ફુટનો રોડ 20 ફુટનો થઇ ગયો છે છતા તંત્ર બેદરકાર

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 મિનિટનો રસ્તો પસાર કરવા 20 મિનિટનો સમય લાગે
  • ઉમણીયાવદરની નળ તરીકે ઓળખાતા માર્ગ પર વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા

મહુવાનો ઉમણીયાવદર નળવાળો રોડ હાલમાં એકદમ સાંકડો બની ગયો હોય આ રોડ પર અકસ્માત થવાની દહેશત સેવાઇ રહી છે. આ રોડની હાલત જોતા 80 ફુટનો રોડ 20 ફુટનો થઇ ગયો છે તેમ છતા નગરપાલિકા કે જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગને કોઇ પરવાહ ન હોય મહુવાની ઉમણીયાવદરની નળનો રોડ કોઇ મોટા જાનલેવા અકસ્માત પછી યોગ્ય રીતે બનાવવામાં આવશે ? તેવો પ્રશ્ન આમ જનતામાં ઉભો થવા પામેલ છે. આ પ્રશ્ને આ રોડ પરની સોસાયટીઓના લોકો આંદોલનની તૈયારી કરી રહયાં છે.

મહુવા શહેરમાંથી બહાર જતા અને પ્રવેશ મેળવતા એસ.ટી. બસની તમામ રૂટની બસો તથા પ્રાઇવેટ વાહનો અને તલગાજરડા, ઉમણીયાવદર, વડલી, હનુમંત સ્કુલ તરફ જતા વાહનોને ઉમણીયાવદરની નળના રસ્તાનો ઉપયોગ ફરજીયાત કરવો પડે છે. મહુવાનો ઉમણીયાવદરની નળ તરીકે ઓળખાતો આ રસ્તો નવા એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી નવપુલ સુધી આ રોડ ઉપર વાહન ચલાવતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. પાંચ મિનિટનો રસ્તો પસાર કરવા વીસ મિનિટનો સમય લાગે છે.

મગરની પીઠ હાલક ડોલક થાય તેમ રોડ ઉપર વાહન ખાડા ટેકરાના કારણે હાલક ડોલક થાય છે. ઉમણીયાવદરની નળના રોડની બન્ને સાઇડમાં પાણી,ગટરના જુના ખોદાણના કારણે ઉભા થયેલા ખાડા ટેકરાથી રોડ સાંકડો થયો છે. આ રોડ 80 ફુટ રીંગરોડ હોવાનું કહી રહ્યા છે. દબાણોના કારણે રોડ અત્યંત સાંકડો બની ગયો છે.

હકિકતમાં 80 ફુટનો બનાવવામાં આવે
આ રોડની બન્ને બાજુ 10 થી 12 સોસાયટીઓ આવેલી છે. કાગળ ઉપરથી 80 ફુટનો રોડ હકીકતે બનાવવામાં આવે અને સમગ્ર રોડ ઉપર ડિવાઇડર બનાવવામાં આવે તો જ સલામતી રહેશે. અન્યથા માનવ જીંદગી જોખમાય તેવા અકસ્માત થવાની ભીતી સેવાઇ રહી છે.આ રોડની હકુમત નગરપાલિકાની હોય કે જીલ્લા પંચાયતની કે સ્ટેટ કે નેશનલ હાઇવે ઓથોરીટીની હોય ચલક ચલાણુ કર્યા વગર આ રોડનુ સત્વરે 80 ફુટ પહોળો રોડ ડિવાઇડર સાથે બનાવવામાં નહી આવે તો સોસાયટીના લોકો ચક્કાજામ સહિતના વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...