મહુવા શહેરમાં ગટર ઉભરાવાના કારણે વિવિધ વિસ્તારોમાં ગટરનુ દુર્ગંધવાળુ પાણી વહેતું રહેતું હોવાની ફરીયાદ દુર કરવા નગરપાલીકા અક્ષમ્ય બેદરકારી રાખી રહી હોવાની બુમરાણ ઉભી થવા પામી છે. મહુવામાં વર્ષો જુની નમુના રૂપ ગટર લાઇન માવજતના અભાવે વારંવાર ચોકઅપ થવાના કારણે શહેરના જુદા જુદા અનેક રાજ માર્ગો ઉપર વારંવાર મેઇન હોલમાંથી ગટરનું પાણી રોડ ઉપર વહેતું થયાના અસંખ્ય બનાવો નાથવા કોઇ કાયમી ઉકેલ લાવવાના બદલે થુંકના સાંધા માફક મેઇન હોલનું પાણી બંબા વાટે ખેચી ટેમ્પરરી ધોરણે વહેતી ગટર ગંગા અટકાવવામાં આવે છે.
મહુવાના જુદા જુદા વિસ્તારોમાં રોડ ઉપર ગટર ગંગા છેલ્લા ઘણા દિવસોથી વહેતી થઇ છે. ઘરે ઘરે ખાટલા સ્થિતિ સર્જાય અને રોગચાળો ભરડો લઇ જાય તે પહેલા નગરપાલિકા અને આરોગ્ય તંત્ર ઘટતા પગલા ભરે તેવી માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે. નગરપાલીકા દ્વારા તરસ લાગે ત્યારે કુવો ખોદવા દોડવાની નિતિરીતિના કારણે આવા પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે.
ગટર વ્યવસ્થા સુચારૂ ચાલતી રહે તે માટે સમયાંતરે મેઇન હોલ સાફ કરવા, જેટીંગ મશીનથી મુખ્ય લાઇનો અને વારંવાર ચોકઅપના પ્રશ્નો હોય તેવા વિસ્તારમાં ફરીયાદ ઉભી થાય તે પહેલા નિયમીત ગાળ કાઢવાનું આયોજન કરવામાં આવે તે જરૂરી છે. કાયમી ઉકેલ લાવવાના બદલે નગરપાલિકા દ્વારા મેઇન હોલમાંથી પાણી ખેંચાવી ફાયરીંગ કરી ટેમ્પરરી રીતે ગટર વહેતી કરે છે. પરંતુ સમયાંતરે ફરી ગટરનુ પાણી રોડ ઉપર વહેતુ થાય છે. જેથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.