મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે 21 તથા 22મો ચિત્રકૂટ એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો હતો જેમાં 2020 અને 2021ના કુલ 66 શિક્ષકોને એવોર્તેડ એનાયત કરાયા હતા. સાથે શૈક્ષણિક સંમેલન આજે બુધવારે સવારે ચિત્રકૂટ ધામ તલગાજરડા કે.વ. શાળા મુકામે યોજાયું હતુ. પૂ.મોરારિબાપુની નિશ્રામાં અને પૂ. સીતારામબાપુની વિશેષ ઉપસ્થિતિમાં 21 તથા 22મો ચિત્રકૂટ એવોર્ડ એનાયત સમારંભ, નિવૃત્ત શિક્ષકોનું સન્માન સાથે શૈક્ષણિક સંમેલનનું આયોજન ચિત્રકૂટ ધામ કે.વ.શાળા તલગાજરડા ખાતે સુપેરે સંપન્ન થયો હતો.
પૂ.બાપુએ આશીવર્ચન પાઠવતા પહેલા આ એવોર્ડ વિજેતા 66 શિક્ષકોની વંદના કરી કહ્યું હતુ કે પ્રાથમિક શિક્ષક જોઉં છું ત્યારે વિના કારણ હરખ થાય છે. હું પણ એક વખત પ્રાથમિક શાળાનો શિક્ષક હતો. શિક્ષણ કર્મ નથી, ધર્મ છે. પૂ. બાપુએ ઉમેર્યુ હતુ કે શિક્ષણ ધર્મ હોવાને કારણે ઉપનિષદમાં તેના ચાર સ્તંભો આપ્યા છે. સમતા, સંતોષ, બુધ્ધિમાં આવતા નિર્મળ વિચારો અને સાધુ સંગ એમ કહેતા પુ. બાપુએ જિલ્લાના નામાકિંત શિક્ષકો નાનાભાઇ ભટ્ટ, મુળશંકરભાઇ વગેરેને યાદ કરી કહેલ કે શિક્ષણે બાળકોને પ્રવીણ બનાવવાનો નથી, પ્રમાણિક બનાવવો જરૂરી છે.
જ્યારે સીતારામ બાપુએ જણાવેલ કે, સદ્દગુણોનું શિક્ષણ પ્રાથમિક શિક્ષણ જ આપી શકે. ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે જિલ્લા અને મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનો કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. ચિત્રકુટ પારિતોષિક 2020માં ભાવનગર જિલ્લાની ઝવેરચંદ પ્રાથમિક શાળા, પાલિતાણાના નાથાભાઇ નોંઘાભાઇ ચાવડા સહિત રાજયના 33 શિક્ષકો અને 2021માં ભાવનગર જિલ્લાના હરિઓમ કન્યા શાળા વલ્લભીપુરના શિક્ષક લીલાબેન ધુળાભાઇ ઠાકરડા સહિત 33 શિક્ષકોને ચિત્રકુટ પારિતોષિક એનાયત કરવામા આવ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.