લોકો ત્રાહિમામ:600થી વધુ રીક્ષાઓ છતાં મહુવામાં રીક્ષા સ્ટેન્ડ ન હોવાથી ટ્રાફિક સમસ્યા

મહુવા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મીટર વગર દોડતી રીક્ષા મનફાવે તેવા ભાડા વસુલે છે
  • કોઇપણ રોડની સાઇડ કે ખાંચા ગલીના નાકે અડીંગો જમાવી ઉભેલા રીક્ષાચાલકોથી લોકો ત્રસ્ત

મહુવા શહેરમાં નિયત રીક્ષા સ્ટેન્ડ ન હોય રીક્ષા ચાલકો જ્યાં જગ્યા મળે ત્યાં રીક્ષાઓ ઉભી રાખે છે. કોઇપણ રોડની સાઇડમાં, ખાંચા ગલીના નાકે રીક્ષા અડીંગો જમાવી ઉભી હોય છે. આથી ટ્રાફિકને પણ અડચણ રૂપ થાય છે. અને વાહન ચાલકો ગલીમાં ઉભેલી રીક્ષાના કારણે ભારે મુશ્કેલીમાં મુકાય છે. મહુવામાં અંદાજિત 500થી 600 રીક્ષા દોડે છે. જેમાંથી 100 જેટલી રીક્ષા સી.એન.જી અને અડધો અડધ રીક્ષા અતુલ ઓટો જેવી મોટી રીક્ષાઓ જોવા મળે છે. તમામ રીક્ષામાં મીટર તો છે જ નહી અને મહુવાના લોકો કારમી મોંઘવારીમાં રીક્ષા ભાડાના લુંટથી ત્રાહિમામ પોકારી ગયા છે.

રીક્ષા ચાલકો મહુવાના સોસાયટી વિસ્તારમાંથી એસ.ટી. સ્ટેન્ડ જવાના દિવસ દરમિયાન રૂ.50/- સુધી ભાડું માંગતા અચકાતા નથી. મોડી રાત્રે અને વહેલી સવારે રૂ.100/- માંગી રહ્યા છે. અને રેલવે સ્ટેશનથી ટ્રેનના સમયે રીક્ષા ભાડું રેલવે સ્ટેશને જવા કે રેલ્વે સ્ટેશનથી આવવા માટે રૂ.100/- થી 200 મનફાવે તેમ માંગવામાં આવે છે.

પેટ્રોલના ભાવોમાં વધારો કે ઘટાડો થાય પરંતુ રીક્ષા ચાલકો દિવસે કે રાત્રે મુસાફરોની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. શેરીંગમાં ચાલતી રીક્ષાના ચાલકો પણ મુસાફરો પાસેથી મન ફાવે તેવુ ભાડું વસુલી રહ્યા છે. અડધો રોડ રોકીને ટ્રાફિકને અડચણરૂપ થતા રીક્ષા ચાલકો સામે આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસ દ્વારા પગલા ભરવા લોકોમાં માંગ ઉભી થઇ છે.

કેરોસીનથી દોડતી રીક્ષાઓને લીધે વધેલું પ્રદૂષણ
પેટ્રોલના ભાવમાં સરકારી કંપનીઓ રૂ.1 નો વધારો કરે ત્યાં રીક્ષા ચાલકો ભાડામાં રૂ.5નો વધારો કરે છે. પેટ્રોલના ભાવમાં વધારો થતા રીક્ષા ચાલકોએ મીનીમમ રૂ.30 ભાડુ વસુલવાનું અને શેરીંગ રીક્ષામાં રૂ.5ના બદલે રૂ.10 વસુલવાનું શરૂ કરેલ. રીક્ષા ચાલકો પેટ્રોલના નામે ભાડુ વસુલે છે. પરંતુ પેટ્રોલના ઘટી જતા કે પેટ્રોલના સ્થાને કેરોસીન, ડીઝલ વાપરી મહુવામાં ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદૂષણ કરતા પણ વધારે પ્રદૂષણ ફેલાવે છે.

મહુવામાં સિટી બસ શરુ કરવા લોકોની માંગ
રીક્ષાના પાર્કીંગ માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં અડચણરૂપ ન હોય તેવી જગ્યાએ રીક્ષા સ્ટેન્ડ નોટીફાઇ કરી જાહેર કરવા જોઇએ. તેવી માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે. ભાડાના મારથી નગરજનોને બચાવવા મહુવા નગરપાલિકા દ્વારા વહેલી તકે સિટી બસ સેવા શરૂ કરે તેવી લાગણી ઉગ્ર બની છે.

મોટાભાગના ચાલકો લાયસન્સ બેઇઝ વગરના
મહુવામાં લાયસન્સ બેઇઝ ધારક રીક્ષા ચાલકને બદલે લવર મુંછીયાઓ રીક્ષા ચલાવે છે. મોટાભાગના રીક્ષા ચાલકો પાસે લાયસન્સ હોતા નથી, રીક્ષાનું પી.યુ.સી. સર્ટીફીકેટ પણ હોતુ નથી. શહેરમાં દોડતી રીક્ષાઓ પૈકી કેટલીક રીક્ષાઓ નો નિયમ મુજબનો ટેક્સ પણ ભરવામાં આવતો નથી. ટેક્સ ભર્યા વગર રીક્ષાઓ દોડે છે.

અન્ય સમાચારો પણ છે...