ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂ આશ્રમ બગદાણા ખાતે આજે બજરંગદાસ બાપાની 46મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સંતોની ભૂમિ તરીકે જગ વિખ્યાત ગોહિલવાડમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિતે ભાવનગર શહેર- જિલ્લામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિના અનોખા ભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ પુણ્યતિથિમાં ભાવિકોનું ઘોડાપૂર ઉંટી પડ્યું હતું. લાખોની સંખ્યામાં ભાવિકો બાપાના દર્શન કરવા માટે આવ્યા હતા.
ભાવનગર જ નહીં પરંતુ દેશ-વિદેશમાં દુઃખીયાઓના બેલી અને ઓલીયા સંત તરીકે જગ વિખ્યાત સંત શિરોમણી પૂ. બજરંગદાસ બાપાની તપોસ્થળી ગુરૂઆશ્રમ બગદાણા ધામ ખાતે આ વર્ષે હર્ષોઉલ્લાસ સાથે ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ હતી. પુણ્યતિથિને લઈને ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20-25 દિવસથી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. ખાસ કરી સુરક્ષાને લઈને તમામ વ્યવસ્થાઓ આશ્રમ દ્વારા કરવામાં આવી હતી. 46મી તિથિને લઈને ભક્તો તેમજ ધૂન મંડળીઓ સાથે સાથે કીર્તન કરતાં મહિલા મંડળો દ્વારા બાપાનો ફોટો લઇ ઢોલ નગારા સાથે નગરયાત્રા કાઢવામાં આવી હતી. આ નગરયાત્રામાં ભાવિકો બાપાસીતારામની ધૂન બોલાવી જૂમી ઉઠ્યા હતા. સાથે સાથે અબીલ ગુલાલ તેમજ ફૂલોની વર્ષાઓ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ પૂરા થયા બાદ તમામ ભાવિક ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.