ભાવનગર જિલ્લા સહીત સમગ્ર રાજયમાં કોરોનાની ત્રીજી લહેરમાં અસંખ્ય લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહયાં છે તેમાં પણ ખાસ કરીને નાના બાળકો પર કોરોનાનું વધુ જોખમ રહેલુ હોય સરકારે ધો.1થી9 ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કર્યુ છે ત્યારે મહુવા તાલુકાની શાળામાં સરકારના નિયમનો ભંગ કરીને બાળકોને શાળાએ બોલાવાતા ભારે રોષ વ્યાપ્યો છે.
મહુવા પાસેના બેલમપર ગામે જીવન જ્યોત વિદ્યાલયમાં ધો.3 થી 9ના વિદ્યાર્થીઓને લેશન આપવાના બહાને શિક્ષણ માટે બોલાવ્યા હોવાના સમાચાર વહેતા થતા શિક્ષણ વિભાગ હરકતમાં આવેલ છે.ગુજરાત સરકારે ધો.9 સુધીનું શિક્ષણ ઓનલાઇન કરવાનો હુકમ કરેલ હોવા છતા મહુવા તાલુકાના બેલમપર ગામે જીવનજ્યોત વિઘ્યાલયમાં ધો. 3 થી 12ના વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ માટે બોલાવી કોરોનાને આમંત્રણ આપવામાં આવ્યુ હોય તેવો માહોલ ઉભો થવા પામેલ છે.
શાળા સંચાલકો નેટવર્ક મળતુ ન હોય 5-5 બાળકોને લેશન આપવા બોલાવ્યાનુ ગાણુ ગાઇ રહ્યા હતા પણ હકીકતે શાળાના સંપુર્ણ વિદ્યાર્થીઓ શાળામાં હાજર દેખાતા હતા તે પણ સોશ્યલ ડિસ્ટંટ, માસ્ક વિના એસ.ઓ.પી.ના ધજીયા ઉડાવતા દેખાતા હતા. આ પ્રશ્ને શાસનાધિકારી મહુવાને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે મારા કાર્યક્ષેત્રમાં મહુવા શહેરની સ્કુલો આવે આથી ડી.ઇ.ઓ. ભાવનગરને આ બાબતે પુછપરછ કરતા તેઓએ તપાસ કરી પગલા ભરવાની ખાત્રી ઉચ્ચારી હતી.
હાલની સ્થિતીમાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે શાળા તંત્ર દ્વારા કોરોનાને કાબુમાં રાખવાને બદલે વધુ ફેલાય તેવા પ્રયત્નો વિદ્યાર્થીઓને શાળાઅે બોલાવીને કરાય રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.