'પ્લાસ્ટિક મુક્ત બીચ અભિયાન':મહુવાના ભવાની બીચ પર પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળ દરિયાઈ જીવનદૃષ્ટિના રક્ષણ માટે છેલ્લા બે વર્ષથી ચલાવી રહી છે સ્વચ્છતા અભિયાન

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળ દ્વારા છેલ્લા બે વર્ષથી દરિયાઈ જીવનદૃષ્ટિના રક્ષણ માટે મહુવાનાં ભવાની બીચ પર પ્લાસ્ટિક મુક્ત બીચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે 100 અઠવાડિયા પૂર્ણ કર્યા હતા. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ અને જીવોનાં રક્ષણને લઈને જાગૃત થાય એ છે.

બે વર્ષની અંદર 12 ટનથી વધુ કચરો એકત્રિત કર્યો
સૌ પ્રથમ ભવાની બીચ પર ડસ્ટબીનની સુવિધા કરી. ત્યારબાદ જેમના હાથમાં ભવિષ્ય છે એવા યુવા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે એ માટે મહુવા અને મહુવાની આસપાસની 32થી વધુ સ્કૂલોમાં જઈ વિદ્યાર્થીઓને અભિયાનમાં જોડવામાં આવ્યાં. ભવાની બીચ ખાતે મહિનામાં બે રવિવાર બીચ ઉપર ફરવા આવતા પર્યટકો જ્યાં ત્યાં કચરો ના ફેલાવે અને પ્લાસ્ટિકના કારણે પર્યાવરણને કેટલું નુકસાન થાય છે તેનું માર્ગદર્શન આપીને લોકોને જાગૃત કરે છે. માત્ર ભવાની જ નહી સાથે પિંગ્લેશ્વર બીચ, કોટડા બીચ પર પણ આ અભિયાન કરી બે વર્ષની અંદર 12 ટનથી વધુ કચરો એકત્રિત કરી તે કચરો વધુમાં વધુ રિસાઈકલ થાય એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

વૃક્ષારોપણ હાથ ધરી 1100 વૃક્ષોનું વાવેતર
તૌકતે વાવાઝોડામાં ખૂબ જ વૃક્ષો ધરાશયી થતાં 05/06/2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે મિશન નવસજૅન કરી વૃક્ષારોપણ હાથ ધરી 1100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે બાદ આ વર્ષે 05/06/2022 ના રોજ પ્લાસ્ટિકના બેસ્ટ રિયુઝના વિકલ્પ તરીકે ઇકોબ્રીકનો ખ્યાલ આપી જાહેર જનતાને ઇકોબ્રીક બનાવતા શીખવાડવામાં આવ્યું હતું. જેમા નાયબ કલેક્ટર મેડમ મહુવાનાં વનવિભાગ અધિકારીઓ અને 700થી વધુ લોકોએ પ્રતિસાદ આપ્યો હતો. લોકો તેહવારોની ઉજવણી ઇકો ફ્રેન્ડલી ઢબમાં કરે એ માટે સૌ પ્રથમ ઇકો ફ્રેન્ડલી ગણેશ વર્કશોપ દ્વારા માટીની મૂર્તિ બનાવવા માટે આયોજન કર્યુ હતું.

​​​​​​​મોરારીબાપુએ પણ કામની સરાહના કરી
મહુવા વન વિભાગ અને મામલતદારના સહિયારા પ્રયાસથી મહુવા ખાતે સૌથી પેહલું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં મોરારીબાપુની ભવાની બીચ પર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ વખત પ્લાસ્ટીક ફ્રી રામકથાનું આયોજન કરી સમગ્ર સમાજ સામે અલગ જ અને અનોખા પ્રયાસ હાથ ધરી લોકોને જાગૃત કરાયા હતા. બાપુએ પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપી પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળ ગ્રુપને બીરદાવ્યું હતું. તેમજ સમાજને પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળ ગ્રુપનું ઉદાહરણ આપી સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...