રખડતા ખુંટીયાઓને પકડવાની લોકમાંગ:મહુવા શહેરમાં રખડતા ખૂંટીયાની અડફેટે વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના ગાંધીબાગ પાસે બે ખુંટીયા બાખડતા રસ્તા પરના એક સાયકલ સવાર વૃદ્ધને માથાના ભાગે ઇજા

મહુવા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખાસ કરીને ખુંટીયાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે ગાંધીબાગ પાસે બે ખુંટીયા બાખડતા એક સાયકલ સવાર વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં સારવાર્થે ખસેડવામાં આવેલ છે. આજે સાંજે 7.30 કલાક આસપાસ ગાંધીબાગ પાસે બે માતેલા સાંઢ જેવા ખુંટીયા સામ સામા બાખડતા ગાંધીબાગ વિસ્તારમાં આતંકવાદી આવ્યા હોય તે રીતે નાસભાગ મચી હતી.

લોકો આ ગીચ વિસ્તારમાં આમ તેમ ભાગી રહ્યા હતા. તેમ છતા એક 60 વર્ષના વિનુભાઇ મિસ્ત્રી નામના વૃધ્ધ સાયકલ ઉપર જઇ રહ્યા હતા.તેમને ખુંટીયાઓએ અડફેટમાં લેતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાંથી તેમને સીટી સ્કેન માટે મોકલવામાં આવ્યા છે.

શહેરમાં રખડતા ખુંટીયાઓને પકડી યોગ્ય સ્થળે મુકવા અનેકોવખત લોકોએ માંગ કરેલ છે. નગરપાલિકા પાસે ઢોર પકડવાનું વાહન શોભાના ગાંઠીયા સમાન ગેરેજમાં શોભાયમાન છે. મહુવા શહેરનો એક પણ રોડ ઢોરના ટોળા વગર જોવા મળી રહ્યો નથી. અને વરસાદી સિઝનમાં તો ઢોર રોડનો કબજો મેળવીને બેઠા રહે છે. વાહન ચાલકો હોર્ન વગાડે તો પણ ખસતા નથી.

નગરપાલિકા પાસે ઢોર પકડવાની માંગ કરવામાં આવે તો ઢોર પકડવાના નિષ્ણાત માણસો નગરપાલિકા પાસે નથી તેવા જવાબો આપવામાં આવે છે. નગરપાલિકાના અનેક કાર્યો કોન્ટ્રાક્ટ બેઇજ ઉપર થાય છે. નગરપાલિકાએ ઢોર પકડવાનુ પણ પ્રાઇવેટ એજન્સીને આપવુ જોઇએ તેવી માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે. અને રખડતા ઢોરથી કોઇ નાગરિકને ઇજા થાય તો નગરપાલિકા પાસે વળતર માંગવા કાયદેસરના પગલા ભરવા જોઇએ તેવી લાગણી આમ જનતામાં ઉભી થવા પામી છે.

આમ મહુવા શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે ત્યા ચોમાસામાં ખુંટીયાઓનો ત્રાસ વધ્યો છે અને સ્થાનિક તંત્ર દ્વારા ત્વરિત પગલા નહી લેવામાં આવતા શહેરના રસ્તાઓને ખુંટીયઓએ બાનમાં લીધા હોય તેવો માહોલ છે.

અન્ય સમાચારો પણ છે...