શું હજી મુહૂર્ત નથી આવ્યું?:7 વર્ષ પહેલા 4 લાખના ખર્ચે બનાવાયેલ શૌચાલય બંધ, લોકોની સુવિધા માટે બનાવાયુ પણ શરૂ કેમ નથી?

ગારિયાધારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગારિયાધારના પાંચ ટોબરા રોડ પર બનાવાયેલા શૌચાલય ઝડપથી લોકઉપયોગી બનાવવા માંગ

ગારિયાધાર શહેરના પાંચ ટોબરા રોડ પર તંત્ર દ્વારા સાત વર્ષ પહેલા લોકોની સુવિધા માટે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે.પરંતુ તંત્ર દ્વારા જ્યારથી બન્યુ ત્યારથી હજુ સુધી જાહેર શૌચાલય બિનઉપયોગી શોભાના ગાઠીયા સમાન જોવા મળી રહ્યું છે.

આ સુલભ શૌચાલય આશરે સાતથી આઠ વર્ષ પહેલા તંત્ર દ્વારા લોકોની સુવિધા માટે અંદાજે ચાર લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.પરંતુ આ શૌચાલય ચાલુ કરવાનું હજુ સુધી તંત્રને મુહૂર્ત પણ આવ્યું નથી.આ જાહેર શૌચાલય હાલમાં બિન ઉપયોગી હોવાથી આવારા તત્વોનો પણ આ શૌચાલયમાં અડીંગો જમાવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

તંત્ર દ્વારા જાહેર શૌચાલય બનાવ્યું તો ખરું પણ ચાલુ ન કરાતા લોકો દ્વારા તો આ શૌચાલય શા માટે બનાવ્યુ? તેવું પણ આ વિસ્તારના લોકો કહી રહ્યા છે લાખોના ખર્ચે બનાવેલ જાહેર શૌચાલય તંત્ર દ્વારા ચાલુ ન કરાતાં શોભાના ગાંઠિયા સમાન ઉભુ છે. આ બાબતે ચિફ ઓફીસર એમ.પી. ગોહિલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મેં કાર્યભાર સંભાળ્યાને હજુ ચાર-પાંચ દિવસ જ થયા છે.કયા કારણોસર બંધ છે તેની તપાસ સોમવારે કરવામાં આવશે.આ જાહેર શૌચાલય વહેલીતકે લોકોના ઉપયોગ માટે ખુલ્લુ મુકવા તમામ પ્રયત્નો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...