ભાવનગર જિલ્લામાં આવેલી રોલીંગ મીલમાંથી લોખંડના સળીયા ભરી રાજ્ય ઉપરાંત પર પ્રાંતના શહેરોમાં ડિલીવરી આપવા જતાં વાહનોમાંથી આ લોખંડના સળીયા ભાલ પંથકમાં એક હોટલ સંચાલક દ્વારા સસ્તા ભાવે ખરીદી-વેચી નાખવાનું મોટું કૌભાંડ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપ્યું હતું. જેમાં રૂપિયા દોઢ કરોડના મુદ્દામાલ સાથે આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના સિહોર સહિતના તાલુકાઓમાં સેંકડો રોલીંગ મીલ રાત-દિવસ ધમધમે છે. આ રોલીંગ મીલોમાં ઉત્પાદન થતાં લોખંડના સળીયા રાજ્ય ઉપરાંત પરપ્રાંતમાં સપ્લાય કરવામાં આવે છે. મીલમાંથી જે-તે શહેરમાં પહોંચતા કરવામાં આવતા સળીયા ખરીદનારી પાર્ટી પાસે પહોંચે એ પૂર્વે અધવચ્ચે જ સુઆયોજીત નેટવર્ક દ્વારા વાહનમાંથી સળીયાનો કેટલોક જથ્થો ટ્રક ડ્રાઈવરો દ્વારા બારોબાર વેચી મારવાનું કૌભાંડ વર્ષોથી ચાલે છે. આ કૌભાંડ પૈકી એક કૌભાંડ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને જાણ થતાં ટીમે ખાસ ઓપરેશન હાથ ધરી આખું નેટવર્ક ઝડપી લીધું છે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ભાલ પંથકમાં આવેલા અધેલાઈ ગામની સીમમાં ગાયત્રી હોટલ આવેલી છે. આ હોટલનો સંચાલક ગિરીરાજસિંહ ભીખુભા ચુડાસમા પોતાની હોટલના પટાંગણમાં રોડ પરથી પસાર થતી લોખંડ ભરેલી ટ્રકના ડ્રાઈવરો તથા વાહન માલિકો સાથે સેટીંગ કરી ભરેલી ટ્રકો પોતાની હોટલ પર થોભાવી આ ટ્રકોમાંથી લોખંડનો કેટલોક જથ્થો સસ્તા ભાવે ખરીદી રોલીંગ મીલ ધારકો તથા લોખંડની ખરીદી કરતાં આસામીઓ સાથે છેતરપીંડી આચરતા હતાં.
ટીમે દરોડા પાડી આઠ શખ્સોને ઝડપી લીધાદરમિયાન ટીમે હોટલ પર ટ્રકમાંથી લોખંડનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો એ દરમિયાન રેડ કરી આઠ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં ભવરામ કેસારામ જાટ, જેઠારામ ભીખારામ જાટ, નિતીન કૈલાસ યાદવ, મહેન્દ્ર દાસોપંડિત કુંભાર, નિકુલ ધરમશી ખસીયા, સુરેશ બટુક ચૌહાણ, ભરત ભુપત ચુડાસમા અને ગિરીરાજસિંહ ઉર્ફે ગિરૂભા ભીખુભા ચુડાસમાની ધડપકડ કરી હતી. જ્યારે અન્ય 4 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં હતા. આ ઉપરાંત લોખંડના સળીયા, ભંગાર, મોબાઈલ, ટ્રક અને રોકડ રકમ મળી કુલ રૂ. 1 કરોડ 53 લાખ 70 હજાર 355નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ આરોપી અને મુદ્દામાલનો કબ્જો સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.