વાલિયા તાલુકાના ઝોકલા ગામે લગ્ન પ્રસંગમાં મોબાઇલ પર ગીતો વગાડવા જેવી નજીવી બાબતે એક યુવાનને સરપંચ સહિતની ટોળકીએ તલવાર અને ધોકા વડે હૂમલો કરી 15થી વધુ ઘા ઝીંકી દીધા હતા. ક્રૂરતા પૂર્વક કરાયેલા હૂમલામાં યુવકના હાથ-પગની નશો કપાઈ જતાં પ્રથમ ભરૂચ, બાદમાં વડોદરા અને ત્યાંથી અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવાહ હાલ હોસ્પિટલના બિઝાને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. બનાવને પગલે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
નજીવા મુદ્દાને હિંસક ધિગાણું
ઝોકલા ગામે નજીવા મુદ્દાને સરપંચ અને તેમની ટોળકીએ મોટું સ્વરૂપ આપી હિંસક ધિગાણું સર્જ્યું હતું. ઝોકલા ગામે રહેતાં શૈલેષ મગન વસાવાનો પુત્ર આશિષ તેમજ પુત્રી ખુશ્બુ લગ્ન પ્રસંગમાં હતાં. દરમિયાનમાં ખુશ્બુએ ઘરે આવી તેમને જણાવ્યું હતું કે, ગામના સરપંચ મનોજ મંગળ વસાવા તેમજ તેનો ભાઇ અજય આશિષને માર મારે છે.
મોબાઇલમાં ગીતો વગાડવા મુદ્દે મામલો બીચકાયો
જેથી તેઓ તુરંત સ્થળપર પહોંચી જઇ પુછપરછ કરતાં સરપંચ મનોજ વસાવએ જણાવ્યું હતું કે, તારો પુત્ર લગ્નમાં મોબાઇલમાં ગીતો કેમ વગાડે છે. જેથી શૈલેષે તેમને મોબાઇલ પર ગીત વગાડે તેમાં શું ગુનો કર્યો તેમ કહેતાં સરપંચ મનોજ તેમજ તેના ભાઇ અજય તથા કમલેશ જશવંત વસાવાએ તેમને માર મારી ઇજાઓ પહોંચાડી હતી.
પિછો કરી રસ્તામાં આંતરી હૂમલો કર્યો
ગામના રતિલાલ કાનજી વસાવાએ તેમને સારવાર માટે લઇ જવા સાથે પોલીસ ફરિયાદમાં મદદ કરી ગામ પરત જઇ રહ્યાં હતાં. તે વેળાં હોળી ચકલા પાસે સરપંચ મનોજ મંગળ વસાવા, અજય મંગળ વસાવા, સચિન ગણપત વસાવા, વિશાલ જયંતિ વસાવા, લક્ષ્મણ પ્રેમા વસાવા તેમજ કમલેશ જશવંત વસાવા તમામ રહે.ઝોકલા તથા પ્રભુ મગન વસાવા (રહે. પઠાર) મળી 7 જણાએ તેમનો પિછો કરી રસ્તામાં આંતરી હૂમલો કર્યો હતો.
રતિલાલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
રતિલાલની બાઇકને અજય અને સચિને ઓવરટેક કરી ચાલુ બાઇક પર તેમની છાતી પર પત્થર મારતાં તેમની બાઇક ઉભી રહેતાં ઇકોમાં સરપંચ મનોજ અને તેની ટોળકીએ આવી તેમના પર લોખંડની પાઇપ, સળિયા તેમજ તલવારથી હૂમલો કરી જીવલેણ હૂમલો કરી મારા અને શૈલેષના ઝઘડામાં તું કેમ ફરિયાદ આપવા ગયો હતો. તેમ કહીં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત રતિલાલને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વડોદરાની સયાજી અને ત્યાંથી અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
પોલીસની ટીમ પહોંચી જતાં હુમલાખોરો યુવકને અધમૂઓ છોડીને ભાગી છૂટ્યાં
ગામમાં એક દીકરીના લગ્નમાં સરપંચે એક યુવાનને માર મારતાં તેને દવાખાને લઈ જવાયો હતો. જ્યાંથી રતિલાલ વસાવા પરત ગામમાં આવી રહ્યાં હતા. જોકે તે પહેલાં હોસ્પિટલ ખસેડેલા યુવકે પોલીસને નિવેદન આપ્યું હતું કે, અમને જોખમ છે જેથી પોલીની ટીમ પણ ઝોકલા તરફ આવા નીકળી હતી. રતિલાલ વસાવા વહેલાં નીકળી જતાં તેનો બાઈક પર પીછો કરી રહેલા સરપંચ અને તેના મિત્રોએ પઠાર ગામના હોળી ચકલા પાસે બાઈકને આંતરિને હૂમલો કર્યો હતો. જોકે, પોલીસ આવી જતાં ઈજાગ્રસ્તને મૂકીને હુમલાખોરો ભાગી ગયા હતા.
ઈજાગ્રસ્તે અગાઉ સરપંચમાં ઉમેદવારી કરી હતી
થોડા સમય પૂર્વે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા મનોજ મંગળ વસાવાની સામે રતિલાલ જાડીયા વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી હતી. જેથી ચૂંટણીની અદાવતે હુમલો કર્યો હોવાનું ઈજાગ્રસ્તના પરિવારે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.