ભરૂચ જિલ્લામાં વાલિયાથી વાયા સિલુડી થઇને નંદાવ જતાં 18 કિમીના રસ્તાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે. એક વર્ષથી મંથરગતિએ કામગીરી ચાલી રહી છે અને સાઈડો પર પુરાણ નહિ કરતા અકસ્માત થઈ રહ્યા હોવાથી વાહનચાલકોમાં રોષ ફેલાયો છે.
વાલીયાથી સિલુડી થઈ નંદાવ જતો 18 કિમિનો રસ્તો છેલ્લા એક વર્ષથી કોન્ટ્રાક્ટર દ્વારા 3 મીટર પહોળો બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ રસ્તામાં જે પડ પાથરવામાં આવે છે તે માપથી ઓછા અને એકદમ હલકી કક્ષાની કપચી અને ડામર વાપરી બનાવતા સ્થાનિક વકીલોને ધ્યાન ઉપર આવતા ટેન્ડર મુજબ કામગીરી કરવા જણાવતા મામલો બિચકયો હતો.
એજન્સીએ કામ બંધ કરી સિલુડી ચોકડી પર કામ ચાલુ કરતા એક અગ્રણીએ કામગીરી બાબતે પ્રશ્ન ઉઠાવતા તેને અમે ભાજપાના હોદ્દેદાર છીએ અને સ્થાનિક પ્રમુખ સાથે વાત થઈ ગઈ છે તેમ સંભળાવ્યું હતું. આ રસ્તાની વાત કરવામાં આવે તો, ડામર ઉખડી કપચાઓ છૂટા પડી ગયા છે.
તેમજ રસ્તાની બંને બાજુની સાઈડો પુરાણ કરવામાં નહીં આવતા બે વાહનો સામ સામે આવે ત્યારે અકસ્માત થવાનો ભય રહે છે અને અકસ્માત થઈ રહ્યા છે. રતિલાલ વસાવા , વજેસિંહ વસાવા સહિતના અગ્રણીઓ અને સરપંચોએ સ્થળ પર પહોંચી કામની તપાસ કરી હતી. મહેન્દ્ર વસાવા નામના સ્થાનિકે પણ રસ્તાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં છે.
કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે
વાલીયાના એપીએમસી ,કમળામાતાના મંદિરથી સિલુડી ચોકડી જવાના રોડ ઉપર ડામર કામ ચાલતું હતું તે વખતે વાલીયા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ રોડ ઉપર તપાસ કરતા રોડ કામમાં ડામર છાટીયા વગર અને મટીરીયલમાં પણ ડામર વગરનો પાણીવાળો ડામર લાગતો હતો તેથી રોડ ઉપરના પોપડાઓ નીકળવા લાગેલા હતા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર પૂરતો ડામર નહિ વાપરીને હલકી કક્ષાનો રોડ બનાવી રહયો હોવાથી બ્લેક લિસ્ટ કરવા માંગ કરીયે છીએ. >આર.કે.વસાવા, વકીલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.