નેત્રંગ તાલુકાના નવીથી જુની જામુની ગામ સુધીનો 1.5 કીમીનો રસ્તો બનાવવામાં આવતો નહી હોવાથી ગામલોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહયાં છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ કીચડવાળા રસ્તા પરથી ચાલીને મૌઝા ગામની શાળામાં અભ્યાસ માટે જઇ રહયાં છે.
1947માં આઝાદ થયા બાદ ભારત દેશમાં રસ્તા, પાણી ,વીજળી સહિતની માળખાકીય સુવિધાઓનો વ્યાપ વધારવાની શરૂઆત થઇ હતી. આજે દેશના મોટાભાગના ગામોમાં પાકા રસ્તાઓ અને વીજળીની સુવિધા મળી રહી છે પણ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના નવી જામુની ગામે બાળકોને શાળાએ જવા માટે, ખેડુતોને ખેતીકામ માટે,મહિલાઓને અનાજ દળાવા માટે તેમજ લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુ લેવા માટે તો સમજ્યા પરંતુ માણસ મૃત્યુ પામે તો તેની અંતિમયાત્રાએ લઈ જવા માટે માત્ર 1.5 કિલોમીટરનો રસ્તો નસીબ થયો નથી.
વરવી વાસ્તવિકતા તો એ છે કે, મંદિર ફળિયાના લોકોને મર્યા પછી પણ અસુવિધાનો સામનો કરવો પડી રહયો છે. કોઇ મૃત્યુ પામે તો તેની અંતિમ યાત્રા સમયે પાણીમાં ચાલીને સ્મશાન સુધી જવું પડતું હોય છે.આ રસ્તાની બાજુમાં મોટું તળાવ આવતું હોય લોકોએ ચોમાસામાં જીવ ના જોખમે રસ્તો મહામુસીબતે પાર કરવો પડે છે.
ખેતરે ખેતીકામ માટે ગાડું લઈને જવું પણ કાદવને લઈ દોઝખ બની ગયું છે.ઢોર પણ કાદવમાં ચાલી શકતાં નથી. દેશની આઝાદીના 75 માં વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે સરકાર જુની જામુની જેવા ગામોમાં પાકા રસ્તા બનાવી આપે તો જ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સાચા અર્થમાં લેખે લાગશે.
નેતાઓને મત આપીએ પણ અમને સુવિધાઓ મળતી નથી
આટલા વર્ષોમાં અમારા ઘરે જવાનો રસ્તો બન્યો નથી.અમે આટલા વર્ષો મત પણ આપ્યો પણ અમને માળખાકીય સુવિધાઓ જ મળી નથી. અમારા ગામડામાં રસ્તા જ બન્યાં નથી. અમારે ચોમાસામાં લોટ દળાવા ઘંટીએ જવું પણ અઘરું પડે છે કાદવ અને પાણી હોય તો લપસી પડીએ છીએ. - જેતની ચૌધરી, રહેવાસી, નવી જામુની
પાણીમાં ખેંચાઇ જવાની બીક લાગે છે
અમે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ. કીચડ વાળા રસ્તે જીવના જોખમે ચાલીને ભણવા માટે મૌઝા જવું પડે છે.વરસાદ પડે ત્યારે તલાવડી અને ખેતરોનું પાણી આ રસ્તામાં આવતું હોય અમને તણાય જવાની પણ બીક લાગે છે અમારે ભણવું છે પણ આ રસ્તો બાધારૂપ બની ગયો છે.રસ્તો બને તો અમારે ઘણી તકલીફ ઓછી થઈ જાય અને અમારે ભણીને મોટા અધિકારી બની અમારા વિસ્તારનો વિકાસ કરવો છે. - સેવંતા વસાવા, વિદ્યાર્થીની
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.