રજૂઆત:ગણેશ સુગરના ડિરેક્ટરોનો આંતરિક વિખવાદ સપાટીએ

વાલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાના જ ચાર ડિરેક્ટરોએ સુગરને બદનામ કરતા કાર્યવાહી કરવા ખાંડ નિયામકને ચેરમેને પત્ર લખી રજૂઆત કરી

વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં શેરડી પકવતા ખેડૂતો માટે આશિર્વાદરૂપ સમાન ગણેશ સુગર વટારિયા તેના ડિરેક્ટરોની અંદરો અંદરની ફાટફૂટને કારણે સતત વિવાદોમાં ચાલી રહી છે. ડિરેક્ટરોની આંતરિક લડાઈ ખાડં નિયામક સુધી અવાર નવાર જતી રહે છે. ફરી એક વખત ખાંડની નિકાસને લઈને ડિરેક્ટરો સામસામે આવી ગયા છે. જેના લીધે સહકારી સંસ્થાની છબી ખરડાતાં ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

ખાંડ એક્સપોર્ટ બાબતે ગણેશ સુગર ફેક્ટરીના ડિરેક્ટર હેતલભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ મહિડા, સુરેન્દ્રસિંહ પરમાર, પ્રતાપસિંહ માટીએડાએ ગણેશ સુગર ફેક્ટરી દ્વારા કરવામાં આવતા સુગર એક્સપોર્ટ આજુબાજુની સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા એક્સપોર્ટથી પ્રતિ ક્વિન્ટલ 100થી 150 રૂપિયા નીચા ભાવે એક્સપોર્ટ કરતાં તેનાથી કરોડો રૂપિયાનું સંસ્થાને નુકસાન થયું હોવાના આક્ષેપો ખોટા છે.

આ અંગે સંસ્થાના ચેરમેન કરશનભાઇ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર કિશોરસિંહ માંગરોલાએ તમામ આક્ષેપો મનઘડત, બેબુનિયાદ અને સત્યથી વેગડા હોય તમામ બાબતોનું ખંડન કરીને રદિયો આપ્યો છે. છેલ્લા બે મહિનાથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ઇન્ડિયન ખાંડનો ભાવ સારો રહ્યો હતો. જે તકનો લાભ લઈને દક્ષિણ ગુજરાતની મોટાભાગની સુગર ફેકટરીઓ દ્વારા છેલ્લા બે મહિનાથી સુગર એક્સપોર્ટ કરવામાં આવી રહેલ છે.

તે રીતે ગણેશ સુગર દ્વારા પણ પ્રવર્તમાન એક્સપોર્ટ માર્કેટને ધ્યાનમાં રાખી આજુબાજુની સુગર ફેક્ટરીઓ દ્વારા કરવામાં આવતા એક્સપોર્ટના ભાવની સમકક્ષ સારામાં સારા ભાવે ઓ.જી.એલ. હેઠળ એક્સપોર્ટ કરવામાં આવેલ છે. પરંતુ કેટલાક સમયથી સંસ્થાના ડિરેક્ટરો દ્વારા સંસ્થાની શાખ-પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી નિષ્ફળ પ્રયત્નો દ્વારા સંસ્થા પર કુત્રિમ સંકટ ઊભું કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. સંસ્થાના મેનેજમેન્ટ સાથે સંકળાયેલ જવાબદાર ડિરેક્ટરો તેમજ અન્ય મહત્વાકાંક્ષીઓ દ્વારા આ રીતે સંસ્થા સાથે સંકળાયેલ સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ, થાપણદારો તેમજ સભાસદોમાં સંસ્થા અને મેનેજમેંટ પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ પેદા કરવા સમયાંતરે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સભાસદ ખેડૂતોના સંસ્થા પ્રત્યેના વિશ્વાસથી આગામી નવી પિલાણ સિઝન પણ સફળ થશે
આગામી પીલાણ સીઝન 2021-22 માટે વરસાદને ધ્યાનમાં રાખીને આગામી 25 ઓક્ટોબર-2021ની આસપાસ નવી પીલાણ સિઝન શરૂ કરવામાં આવશે. તેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સભાસદ ખેડૂતોના સંસ્થા પ્રત્યેના વિશ્વાસથી આગામી પીલાણ સિઝનમાં 7લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણનું આયોજન છે.> કરશન પટેલ,ચેરમેન,ગણેશ સુગર.

સંસ્થાની શાખને નુકશાન કરવાનું કામ કરતા ડિરેક્ટરો
સંસ્થાને નુકશાન કરવા બોર્ડમાં રહીને 4 ડિરેક્ટરો ખોટા આક્ષેપો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની અન્ય સુગરના એક્ષપોર્ટના નક્કી થયેલા ભાવ સાથે ગણેશ સુગરની તુલના કરવામાં આવે. આ ચાર ડિરેક્ટરોએ સંસ્થાની શાખને નુકશાન પહોંચાડવાનું કાર્ય કર્યું છે. તેમને સહકારી કાયદાની કલમ 76 મુજબ હોદ્દા પરથી દૂર કરવા જોઈએ.> સંદિપ માંગરોલા, પૂર્વ ચેરમેન.

અન્ય સમાચારો પણ છે...