ભરૂચ જિલ્લાના વાલિયામાં વીજકંપનીની ટીમોએ સધન ચેકિંગ કરી 1.14 લાખની વીજચોરી ઝડપી પાડી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકેલી ટીમોએ 209 જેટલા વીજજોડાણો તપાસ્યાં હતાં તેમાં 14માં ગેરરિતી બહાર આવતાં તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં વીજકંપનીની ટીમો બાકી વીજ બિલોની ઉઘરાણી તથા વીજચોરીને રોકવા માટે કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં વીજ કંપનીની ટીમોએ અંકલેશ્વરમાં મેગા સર્ચ હાથ ધર્યું હતું પણ તે દરમિયાન સ્થાનિક રહીશો અને વીજ કંપનીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વીજ કંપનીની ટીમઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વાલિયા ટાઉનમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વર સર્કલ અને સુરત કોર્પોરેટ ઓફીસ દ્વારા વીજ ડ્રાઈવ યોજી દરોડા પાડવામાં આવ્યા હતા.
ત્યારે મંગળવારે વહેલી સવારે ડીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના માર્ગદર્શન હેઠળ સાત ટીમો દ્વારા વાલિયા સબ ડિવિઝનના તાબા હેઠળ આવતા ટાઉન ફીડર ઉપર વાલિયા ગામમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. વીજ કંપનીની ટીમોએ 209 વીજ કનેક્શન ચેક કરતા 14 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી. જેથી વીજ ચોરી કરતા 14 જેટલા ગ્રાહકોને રૂપિયા 1.14 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ કંપનીના દરોડાને પગલે ગેરરીતિ આચરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.પોલીસ બંદોબસ્ત સાથે આખી કામગીરી થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.