અકસ્માત:તુણા ગામ પાસે ટ્રકે ઇકો કારને ટક્કર મારતાં આગ ભભૂકી, પિતા-પુત્રનું મોત

વાલિયા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મધરાતે મિત્ર સાથે કારમાં 3 વર્ષના પુત્રને સાસરીમાંથી પિતા લેવા માટે ગયા હતા
  • કોસંબામાં​​​​​​​ સોસાયટીમાં જ રહેતો મિત્ર કારમાંથી મિત્ર અને તેના પુત્રને બચાવી ન શક્યો

કોસંબા રહેતા પિતા પોતાના મિત્ર સાથે ડહેલી ગામે પુત્રને લઈ સીએનજી ઇકોમાં પરત ફરી રહ્યા હતા ત્યારે તૃણા ગામે ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. ઇકો પલટી મારી સળગી જતા પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું. કોસંબાની કે.બી. પાર્ક 2 માં રાજદીપ મહેશ ટેલર રહે છે. જેઓ મંગળવારે રાતે સોસાયટીના ગેટ પાસે બેઠા હતા. ત્યારે આજ સોસાયટીમાં રહેતા તેમના મિત્ર કૃપાલસિંહ રાઠોડ તેમની સી.એન.જી. ઇકો કાર લઈ આવ્યા હતા.

ડેહલી ખાતે સાસરીમાં પુત્ર કર્તવ્યસિંહને લેવા જવાનો હોય રાજદીપ ભાઈને સાથે લઈ લીધા હતા. ડહેલી થી તેઓ પુત્રને લઈ કારમાં પરત વાલિયા તરફ આવી રહ્યાં હતાં. દરમિયાન રાતે પોણા બાર વાગ્યાના અરસામાં સામેથી આવતી જીજે 3 એ.ટી. 3695 નંબરની ટ્રકે ઇકોને અડફેટે લીધી હતી. અકસ્માતમાં ઇકો પલટી મારી જતા રાજદીપભાઈ જેમ તેમ કરી બહાર નીકળી આવ્યા હતા. ઇજાગ્રસ્ત પિતા અને પુત્રને કાઢવાનો મિત્રનો પ્રયત્ન વ્યર્થ ગયો હતો. એવામાં જ કારમાં આગ લાગી જતા તુરંત ઘટનાની જાણ ડહેલી અને કોસંબા કરાઈ હતી.

પરિવારજનો અને લોકો દોડી આવતા સળગતી કારમાંથી પિતા-પુત્રને બહાર કાઢી ત્રણેયને વાલિયા સીએચસીમા ખસેડાયા હતા. જ્યાં 30 વર્ષીય કૃપાલ અને તેમના 4 વર્ષીય પુત્ર કર્તવ્યનું ઇજા અને દાઝી જવાના કારણે મોત થયું હતું. વાલિયા પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...