તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ઝઘડિયાના સારસા ગામની માધુમતિ ખાડીમાં ખાણ ખનીજ વિભાગનું સર્ચ

રાજપારડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માધુમતી ખાડીમાં  રેતીની લીઝ બાબતનો વિવાદ થતાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. - Divya Bhaskar
માધુમતી ખાડીમાં રેતીની લીઝ બાબતનો વિવાદ થતાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
  • ખાડીમાંથી ગેરકાયદે રેતી ઉલેચવા અંગે ગ્રામજનોએ ફરિયાદ કરી
  • નદીમાં મોટા ખાડા પડતાં લોકોને સામે પાર ખેતરે જવામાં મુશ્કેલી પડે છે

ઝઘડિયા તાલુકાના સારસા ગામે માધુમતી ખાડીમાં રેતીની લીઝ બાબતનો વિવાદ દિવસે દિવસે વિસ્તૃત બની રહ્યો છે.થોડા દિવસ અગાઉ ભાજપા કાર્યકર હિરલ પટેલની આગેવાની હેઠળ કેટલાક ગ્રામજનોએ ગ્રામ પંચાયત સભ્યોએ લીઝધારક પાસેથી પૈસા લીધા હોવાની વાત આગળ કરીને ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. દરમિયાન ગઇકાલે સારસા ગ્રામ પંચાયતના ઉપસરપંચ મેલીબેન વસાવાએ ગ્રામ પંચાયત સભ્યોની સહી સાથે જિલ્લા કલેક્ટર ભરૂચ અને ખાણ ખનીજ વિભાગને આવેદન આપ્યું હતંુ.

ગ્રામ પંચાયત સભ્યોએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે સારસા ગામના ગુલીયાપરા ફળિયા પાસેથી વહેતી માધુમતિ નદીના પટમાં જ્યાં લીઝ નથી, તે જગ્યાએ મોટુ હિટાચી મશીન મુકીને તેનાથી મોટા હાઇવા ટ્રકોમાં રેતી ભરીને હિરલ જયવદન પટેલ અને સતિષ પટેલ દ્વારા ગેરકાયદેસર રેતીની ચોરી કરવામાં આવે છે. છેલ્લા ચાર પાંચ દિવસથી 24 કલાક રેતીની ઓવરલોડ ગાડીઓ ભરાય છે. પંચાયત સભ્યો દ્વારા આ બાબતે કહેતા ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનું જણાવાયુ હતુ.

આ બાબતે હિરલ પટેલે તેમના ટેલિફોનીક નિવેદનથી જણાવ્યું કે આ બાબતે તેઓ કઇ જાણતા નથી અને આગળ તેમની સાથે રેતીની લીઝવાળા પાસેથી પૈસા લીધા હોવા બાબતે જે વિવાદ થયો હતો. તેની રીસ રાખીને ખોટી રીતે અમારા નામો સંડોવાયા છે,એમ જણાવ્યું હતુ.દરમિયાન ગઇકાલે પંચાયત સભ્યોની રજુઆતને પગલે સારસા ગામે માધુમતિ નદીમાં જ્યાંથી રેતી ઉલેચાતી હતી ते તે સ્થળે ભરૂચ ખાણ ખનીજ વિભાગે રુબરુ તપાસ કરી હતી.

જ્યાં લીઝ વિનાની જગ્યાએ રેતીકામ માટે મુકેલ હિટાચી મશીન સીઝ કરીને પોલીસને સોંપ્યુ હતુ. ખાણ ખનીજ વિભાગના પંચનામામાં થયેલ ઉલ્લેખ મુજબ મશીનના માલિકે આ ખોદકામ શંકરભાઇ ભોઇના કહેવાથી કરાતુ હોવાનું જણાવ્યુ હતું.

અગાઉ ગ્રામ પંચાયતના સભ્યોને પૈસા આપ્યા હોવા બાબતે વિવાદ થયો હતો
થોડા દિવસ પહેલા આ લીઝધારક શંકરભાઈ ભોઈએ ગ્રામ પંચાયત સભ્યોને પૈસા આપ્યા હોવા બાબતે મોટો વિવાદ થયો હતો. ત્યારે હાલ માધુમતિ ખાડીમાં લીઝ વિસ્તારથી બહાર થયેલા ગેરકાયદેસર ખોદકામમાં પણ આ લીઝધારકનું નામ આવતા સારસા ગામે રેતી ખનનનો વિવાદ વિસ્તૃત બની રહ્યો છે. માધુમતિ ખાડી નાની ખાડી હોવાના કારણે ટ્રકો ભરીને રેતી ઉલેચાતા ખાડીમાં ઉંડા ખાડા પડવાની સંભાવના રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...