ઝઘડિયા તાલુકાના સારસા ગામે આવેલી બ્રાંચ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતી મહિલા પોસ્ટ માસ્ટરે બે ગ્રાહકોના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડી લઇ 1.20 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.
ઝઘડિયા તાલુકાના સારસા ગામે બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં 2020- 21 ના વર્ષ દરમિયાન ફરજ બજાવનાર મહિલા બ્રાન્ચ પોસ્ટ માસ્તરે બચત ખાતા ધારકોની નકલી સહીથી 1.20 લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. રાજપારડી પોસ્ટ ઓફિસની હિસાબી શાખા હેઠળની ગ્રામીણ પોસ્ટ ઓફિસની સારસા શાખામાં 6 જુલાઇ 2020થી 18 ઓકટોબર 2021સુધી બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે વૈશાલી સોલંકીએ ફરજ બજાવી હતી.
આ સમયગાળા દરમિયાન તેણે પોસ્ટ ઓફિસમાં બચત ખાતા ખોલાવેલ ગ્રાહકની જમા ઉપાડ વાઉચરમાં નકલી સહી કરીને નાણાંની ઉચાપત કરી હતી.સારસા ગામના રાકેશમાછી તેમજ મણીબેન માછીની જાણ બહાર તેઓ બન્નેના સહી અંગુઠાના નિશાનો યેનકેન પ્રકારે મેળવીને તેમના ઉપાડ વાઉચરમાં નકલી સહીનો ઉપયોગ કરીને ખાતેદારોની જાણ બહાર 1.20 લાખ રૂપિયા ઉપાડી લીધાં હતાં.
તત્કાલીન પોસ્ટ માસ્તર અને હાલ ભાલોદ ખાતે રહેતાં વૈશાલી સોલંકી સામે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. વૈશાલી સોલંકી મુળ મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સરાડીયા ગામના રહેવાસી છે. ઝઘડિયા ડિવિઝનની પોસ્ટ ઓફિસોમાં સુપરવિઝન તેમજ વાર્ષિક ઇન્સ્પેકશનની ફરજ બજાવનાર મીતેશ વડાદીયાએ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.