રોષ:ઇન્દોર સહિતના ગામોમાંથી ઓવરલોડ વાહનોને બંધ નહિ કરાતાં જન આક્રોશ

રાજપારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરાયું હતું. - Divya Bhaskar
ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરાયું હતું.
  • ટ્રકોના કારણે રસ્તાઓને નુકસાનની સાથે અકસ્માતો વધતા લોકો આંદોલનના મિજાજમાં

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ, તોથીદરા, તરસાલી સહિતના કાંઠા વિસ્તારના ગામોમાં રેતીની અનેક લીઝો આવેલી છે તેમાંથી રોજની સેંકડો ટ્રકો રેતી ભરીને રાજયના વિવિધ શહેરોમાં જતી હોય છે. ટ્રકોમાં ઓવરલોડ રેતી ભરવામાં આવતી હોવાના કારણે રસ્તાઓને નુકશાન થઇ રહયું છે તેમાંથી રેતીમાંથી પાણી પડતું હોવાથી રસ્તાઓ ચીકણા બની જાય છે.

ઓવરલોડ વાહનોના કારણે સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે. ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં પોલીસનો લોકદરબાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઇન્દોર ગામના આગેવાન સી.ડી.પટેલે ઉમલ્લા વિસ્તારમાં ઓવરલોડ ટ્રકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

આ ઉપરાંત વ્યાજના દુષણ તેમજ ચાઈનીઝ દોરીના વેચાણ વપરાશ પર પ્રતિબંધ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ઉમલ્લા પીએસઆઇ પટેલે જણાવ્યું હતું કે,ઉત્તરાયણનો તહેવાર આવી રહયો છે ત્યારે તમારી આસપાસ કોઇ પણ વ્યકતિ ચાઇનીઝ દોરી કે તુકકલનું વેચાણ કરતો દેખાય તો પોલીસને જાણ કરી દેવી જેથી તેની સામે કાર્યવાહી કરી શકાય.

આ ઉપરાંત કોઇ વ્યાજખોરોની હેરાનગતિ હોય તો પિડિત વ્યકતિ પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ નોંધાવી શકે છે. ઉમલ્લા, ઇન્દોર સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં આગેવાનોએ હાજર રહી તેમના ગામની સમસ્યાને રજૂ કરી હતી.

ઉમલ્લામાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવો
ભાલોદ તરફ જતાં માર્ગ પરથી રેતી ભરેલી ટ્રકોની અવરજવર વધી છે. જેના કારણે ઉમલ્લાના મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા વકરી છે. ટ્રાફિકની સમસ્યાનો હલ લાવવા માટે પોલીસ એકશન પ્લાન બનાવી તેનો અમલ કરે તે જરૂરી છે.

ભૂતકાળમાં જન આંદોલન કરાયું હતું
ભાલોદ તથા આસપાસ આવેલી રેતીની લીઝોમાંથી નીકળતી ઓવરલોડ ટ્રકોથી 20 થી 25 જેટલા ગામના લોકો પરેશાન છે. ઉમલ્લાથી ભાલોદ સુધીના રસ્તાને ઓવરલોડ ટ્રકોના કારણે નુકશાન થયું હતું જેના કારણે ભુતકાળમાં ભાલોદ, ઇન્દોર સહિતના ગામોના લોકોએ ભેગા મળી રેતી ભરેલી ટ્રકોને રોકી ચકકાજામ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...