પાવન સલિલા મા નર્મદાની આરાધના કરવાના પર્વ ગંગાદશહરાની ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામમાં ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલાં નગરો તથા ગામડાઓમાં ગંગા દશહરાના પર્વની ઉજવણી કરાતી આવી છે. કોરોનાની મહામારીના કારણે તહેવારોની ઉજવણી ફીકી પડી હતી પણ હવે ધીમે ધીમે ધાર્મિક ગતિવિધિઓ પણ લય પકડી રહી છે.
નર્મદા નદીના કિનારે આવેલાં ઝઘડીયાના ભાલોદ ગામમાં પ્રતિવર્ષ પરંપરાગત રીતે ગંગા દશહરાનું પર્વ ઉજવવામાં આવે છે. આ ઉજવણીમાં રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ ભાલોદ ગામમાં આવતાં હોય છે. ગંગા દશહરા નિમિત્તે ગામમાં બે દિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. ગતરોજ મુખ્ય બજારમાં આવેલાં મહાકાળી માતાજીના મંદિરથી શોભાયાત્રા નીકળી હતી.
મા નર્મદાના જયઘોષ સાથે નીકળેલી શોભાયાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી નર્મદા નદીના કિનારે પહોંચી હતી. નર્મદા મૈયાને એક કાંઠાથી બીજા કાંઠા સુધી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. આ પાવન અવસરે નવયુગલોના હસ્તે મહાઆરતી પણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.