ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની હઝરત બાવાગોરની દરગાહ આવેલ છે. હઝરત બાવાગોર ગોરીશાબાવાના નામે પણ ઓળખાય છે. આ સ્થળે દરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દરગાહના દર્શને આવે છે. સુફી સંતોની દરગાહો પર ગલેફ( ચાદર) ચઢાવવાની પ્રણાલી વર્ષોથી ચાલી આવે છે. આવા ગલેફ બે પ્રકારના હોય છે.
એક સાદા અને બીજા ઉપર કલમા લખેલા હોય છે. બાવાગોર દરગાહ ટ્રસ્ટ અને વહિવટકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું છેકે આગામી તા.૫ મી મેથી હઝરત બાવાગોરની દરગાહ સહિત દરગાહ સંકુલના ક્ષેત્રમાં આવતી તમામ દરગાહો પર કલમા લખેલ ગલેફ ચઢાવી શકાશે નહી. હવેથી દરગાહ પર ફક્ત સાદા ગલેફ ચઢાવી શકાશે. ઉલ્લેખનીય છેકે દરગાહ સંકુલમાં ઘણી દરગાહો બહાર ખુલ્લામાં આવેલી છે.
ખુલ્લી દરગાહો પર ચઢાવેલ કલમા લખેલ ગલેફો ઘણીવાર પવનના કારણે દરગાહ પરથી ઉડીને બહાર જતા રહેતા હોય છે, તેને લઇને આ ગલેફ જ્તાંત્યાં પડી રહેતા હોવાના કારણે ઉપર લખેલ કલમાની બેઅદબી થાય છે તેમજ ધાર્મિક આયતોનું મહાત્મ્ય જળવાતું નથી, તેથી આગામી તા.5 મી મેથી બાવાગોર દરગાહ સહિત દરગાહ સંકુલમાં આવતી તમામ દરગાહોએ કલમા લખેલા ગલેફ ચઢાવી શકાશે નહી. દરગાહના દર્શનાર્થે આવતા તમામ શ્રધ્ધાળુઓને આ નિયમનું પાલન કરવા દરગાહ વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.