ધરપકડ:ભરૂચમાં તસ્કરી કરતી ધોળકાની ગેંગનો સભ્ય ઝબ્બે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં ઇકો કારના સાયલેન્સરની ચોરીના 7 તથા બકરાચોરીના ગુનાઓની કબૂલાત કરી

ભરૂચ શહેર જિલ્લામાં ઇકો કારના સાયલન્સર ચોરતી ટોળકીએ આતંક મચાવ્યો હતો. દરમિયાનમાં આમોદ પોલીસે બકરા ચોરીના ગુનામાં ઝડપી પાડેલાં ધોળકાના એક આરોપીની એલસીબીની ટીમે પુછપરછ હાથ ધરતાં જિલ્લામાં 7 સ્થળે ઇકો કારના સાયલન્સર ચોરીની કબુલાત કરતી હતી. તેમજ તેના અન્ય 4 સાગિતોના નામોની પણ ફોડ પાડી હતી. ટીમે તેના સાગરિતોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

ભરૂચ જિલ્લામાં સાયલન્સર ચોરી કરવાના બનાવો વધવાને લઇને એસપી લીના પાટીલ દ્વારા પોલીસને બનાવોને અટકાવવા તેમજ ચોરોને શોધવા માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી. જેના પગલે એલસીબી પીઆઇ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ ટીમો સક્રિય બની હતી. દરમિયાનમાં આમોદ પીએસઆઇ જે. જી કામળિયા અને તેમની ટીમે બકરા ચોરીના કેસમાં ધોળકાના પખાલી ચોક ખાતે રહેતાં ઇમરાન ઉર્ફે કાબરો વાહિદ બેલીમ નામના ગઠિયાની ધરપકડ કરી હતી.

એલસીબી પીએસઆઇ આર.કે. ટોરાણી તેમજ પી.એમ. વાળાને ચોક્કસ માહિતી મળી હતી કે, ઝડપાયેલાં ઇમરાનના સાયલન્સર ચોરી સાથે તાર જોડાયેલાં છે. જેના પગલે તેમણે તેની ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં તે તુટી પડતાં કબુલાત કરી હતી કે, તેણે અને તેના સાગરિતોએ મળી ભરૂચ શહેરના સોનેરી મહેલી પાસેથી, માતરિયા તળાવ લીંકરોડ પરથી તેમજ ધોળીકુઇ બજાર, દહેગામ ગામે તેમજ આમોદના ગણેશ નગર - આછોદ ચોકડી તથા અંક્લેશ્વરના સારંગપુર વિસ્તારમાં પાર્ક કરેલી કુલ 7 ઇકો કારના સાયલન્સરની ચોરી કરી હતી. તેમજ વાગરાના ઓરા ગામની સીમમાંથી બકરા ચોરી કર્યાં હતાં. ટીમે આરોપીના અન્ય 4 સાગરિતોને શોધવાની કવાયત હાથ ધરી છે.

વોન્ટેડ જાહેર કરાયેલાં આરોપીઓ
- મોહમદ ઇદ્રીશ ઉર્ફ ઇદ્દી હબીબ વોરા રહે. ધોળકા, અમદાવાદ
- દસ્તગીર ઉર્ફે દસકો મોહંમદ ઘાંચી રહે. ધોળકા, અમદાવાદ
- મોઇન ઉર્ફે ગડ્ડી મહોમદ પનારા રહે. ધોળકા, અમદાવાદ
- અસ્લમ ઉર્ફે બાટલી હુસેનશા દિવાન રહે. ધોળકા, અમદાવાદ

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતના કારણે ઇકોનું ચલણ વધુ હોઇ ટાર્ગેટ બનાવ્યું
ભરૂચ જિલ્લામાં ઔધ્યોગિક વસાહતો સહિત અન્ય વેપારધંધામાં ઇકો કારનો ઉપયોગ વધુ થતો હોઇ જિલ્લાને ટોળકીએ ટાર્ગેટ કરી હોવાનું મનાઇ રહ્યું છે. ટોળકી રાત્રિના સમયે જ ધોળકાથી રિટ્ઝ કાર લઇને ભરુચ આવતાં હતાં. અને જ્યાં ઇકો કાર મળે તેનું સાયલેન્સર ચોરી કરતાં હતાં.

અન્ય સમાચારો પણ છે...