તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોઝારો અકસ્માત:વાંદરવેલીના વળાંક પર રોંગ સાઇડે આવેલી ટ્રકની ટક્કરે કાર 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી, 5ના મોત

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગ-રાજપીપળા રોડ ઉપર આવેલ વાંદરવેલી ગામ નજીક અજાણ્યા વાહને કારને અડફેટે લેતા અકસ્માત થયો
  • પ્રાથમિક તબક્કે માર્ગ ઉપર જઈ રહેલ લોકોએ જ બચાવ કામગીરી આરંભી
  • ટ્રકની ટક્કરે કારનો દરવાજો તૂટી જતાં પેસેન્જરો બહાર પટકાયાં
  • નેત્રંગ પંથકની યુવતિઓ ઝઘડિયાની કંપનીમાં નોકરી કરી પરત આવતી હતી

નેત્રંગ-રાજપીપળા રોડ ઉપર આવેલ વાંદરવેલી ગામ નજીક અજાણ્યા વાહને કારને અડફેટે લેતા કાર ખાઈમાં ખાબકી હતી. ઇકો કારમાં અંદાજે 12 જેટલા પેસેન્જર સવાર હતા. જેઓની ચિચિયારીઓ અને મદદ માટેની બુમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રાથમિક તબક્કે માર્ગ ઉપર જઈ રહેલ લોકોએ જ બચાવ કામગીરી આરંભી હતી. જેમાં ત્રણ યુવતીઓ સહિત પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે.

અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારતા કાર ખાઈમાં ખાબકી
નેત્રંગ મોવી રોડ ઉપર આજે સવારના અરસામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા વાહનની અડફેટે પેસેન્જર ભરી જતી ઇકો કાર ખાઇમાં ખાબકતા કારમાં સવાર પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. નેત્રંગ તાલુકાનાં પેટીયા ગામમાં રહેતા દિલિપ વસાવા પોતાની ઈકો કાર નંબર-જી.જે.16.સી.બી.7840 લઈ ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આવેલ બ્રિટાનિયા કંપનીમાંથી કામદારોને લઈ નેત્રંગથી મોવી તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન વાંદરવેલી ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારી હતી. જેના પગલે કાર નજીકમાં આવેલ ખાઈમાં ખાબકી હતી.

ઇજાગ્રસ્તોને રાજપીપળા તેમજ નેત્રંગ ખાતે ખસેડવામાં આવ્યા
ઇકો કારમાં અંદાજે 12 જેટલા પેસેન્જર સવાર હતા. જેઓની ચિચિયારીઓ અને મદદ માટેની બુમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રાથમિક તબક્કે માર્ગ ઉપર જઈ રહેલ લોકોએ જ બચાવ કામગીરી આરંભી હતી. અને 108 એમ્બ્યુલન્સ તથા પોલીસ વિભાગને જાણ કરી હતી. અકસ્માતમાં બિલાઠા ગામની 23 વર્ષીય ચંદ્રીકાબેન હરેશભાઈ વસાવાનું ઘટનાસ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે રાજપીપળા તેમજ નેત્રંગ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થયો
રાજપીપળા ખાતે સારવાર લઇ રહેલ સોનિકા ખેતુરભાઈ વસાવા ઉ.વ. 22, રહે. મોવી, પ્રવિણાબેન જેઠાભાઈ વસાવા ઉ.વ. 18 રહે. મોવી, અને જ્યોત્સનાબેન ચુનીલાલ વસાવા, ઉ.વ. 18, રહે. બંસી, તથા કીરત વસાવા ઉ.વ. 22 રહે. પેટીયાનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજયું હતું. અકસ્માતમાં મોતના પગલે આસપાસના વિસ્તારના લોકોમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ટ્રકનો પાછળનો ભાગ કારની સાઇડમાં ઘસડાતાં કારનો દરવાજો તૂટ્યો, મુસાફરો કારમાંથી બહાર ફંગોળાયાં
ઇકો ગાડીનો દરવાજો ડમ્પરની ટક્કરે તૂટી ગયો અને ઈકો ગાડી હવા માં ફંગોળાઈને 10 ફૂટ ઉંડી કોતરમાં ખાબકી હતી. ગાડીનો દરવાજો તૂટી જતાં અંદર બેઠેલી યુવતી ટપોટપ જમીન ઉપર પડતાં કોતર રહેલાં પત્થરો વાગ્યા હતા. આટલુ ઓછુ હોય એમ ઢાળ હોવાથી ઈકો કાર ની બે પલટી મારી ગઈ હતી. જ્યાં આગળની હરોળમાં બેઠલી યુવતી એ જીવ ગુમાવ્યો હતો.બીજી બાજુ એક સાથે 15 જેટલા લોકો ઈકોમાં બેઠલા હતા.

વાંદરવેલી ગામે આકસ્માતમાં મૃત્યુ પામનારના નામ
જોસના સુનીલાલ વસાવા (ઉ.વ.18 રહે.પલસી, તા.નાંદોદ)
સૈનિકા કેસૂરભાઈ વસાવા (ઉ.વ.21, રહે.મોવી, તા.નેત્રંગ)
પ્રવીણા જેઠાભાઈ વસાવા (ઉ.વ.18, રહે.મોવી, તા.નેત્રંગ)
તીરસ મોહનસિંગ વસાવા (ઉ.વ.21,રહે.મોતીયા, તા.નેત્રંગ)
ચંદ્રિકા હરેશ વસાવા (ઉ.વ.22, રહે.બીલાઠા, તા. નેત્રંગ)

હોસ્પિટલમાં સારવાર હેઠળ ઇજાગ્રસ્તો
સર્મીલા પ્રહલાદ વસાવા (ઉ.વ.30, રહે.મોવી, તા.નેત્રંગ)
ગંગા નરપત વસાવા (ઉ.વ.19, રહે.પલસી તા. નાંદોદ)
જમના નરાત વસાવા (ઉ.વ.24, રહે.પલસી તા. નાંદોદ)
નયના મગન વસાવા (ઉ.વ.21, રહે.પલસી તા. નાંદોદ)
શારદા ધર્મેન્દ્ર વસાવા (ઉ.વ.28, રહે.બીલાઠા તા. નેત્રંગ)

સામાન્ય ઇજાગ્રસ્ત થયેલાના નામ
પ્રહલાદ વસાવા (33 વર્ષ, મોવી), ચન્દ્રીકાબેન વસાવા (18 વર્ષ, પલસી), વિશનાબેન વસાવા (34 વર્ષ, બીલાઠા), સેજલ વસાવા (19 વર્ષ, બીલાઠા) અને ડ્રાઇવર દિલીપ વસાવા (મોતીયા)

પહેલા એક એમ્બ્યુલન્સ આવી ઘાયલો વધારે હોય અન્ય બેને બોલાવવી પડી
બુધવારે સવારે 9ઃ30 વાગ્યના અરસામાં હું મારા ગામ વાંદરવેલીથી નેત્રંગ તરફ જઇ રહ્યો હતો ત્યારે એક ઇકો નેત્રંગથી મોવી તરફ જઇ રહી હતી. સામેથી રેતી ભરેલી ટ્રક પુરપાટ ઝડપે આવી ડ્રાઇવરે રોંગ સાઇડ પર ટ્રક લેતાં ઇકોને ટ્રકનો પાછળનો ભાગ લાગી ગયો. ટ્રકથી ઇકોનો દરવાજો ટુટી ગયો અને અંદર બેસેલા પેસેન્જર બહાર પટકાવા લાગ્યા. ઇકો હવામાં ફંગોળાયને બે પટલી મારીને 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં જઇને રોકાઇ હતી. ઇકોમાંથી યુવતીઓ ગમે ત્યાં પટકાવા લાગી હતી. આસપાસના ગામની જ યુવતીઓ હોવાથી પરિવારજનો ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા. અમે ફટાફટ 108ને કોલ કર્યો એક 108 આવી ગઇ પરંતુ ઇજાગ્રસ્તોની સંખ્યા વધારે હોવાથી કોને પ્રાથમિકતા આપવી તે અંગે અસમંજસ હતી. દરેકના પરિવાર કહે તેમના સગાને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડે. જોકે બાદમાં 4 વધુ ઇજાગ્રસ્ત યુવતીઓને તાત્કાલીક સારવાર માટે રાજપીપળા મોકલાયા. ત્યા સુધીમાં અન્ય બે એમ્બ્યુલન્સ આવતાં અન્ય ઇજાગ્રસ્તોને નેત્રંગ, અંકલેશ્વર અને ભરૂચ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. - ચંદુભાઇ વસાવા, સરપંચ, વાંદરવેલી ગામ.

અન્ય સમાચારો પણ છે...