ભરૂચ ધર્માંતરણ કાંડ:ધર્માંતરણના ષડયંત્રનો પર્દાફાશ કરનાર યુવકને મારી નાંખવાની ધમકી, અન્ય ગામોમાં પણ તપાસ

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જર, જમીન અને જોરૂની લાલચ આપી ગરીબ પરિવારોનું માઇન્ડ વોશ કરાતું હોવાનો ઘટસ્ફોટઃ 4ની અટકાયત
  • આમોદના કાંકરિયા ગામના 7-8 લોકોને કારમાં સુરત લઇ જઇ મુસ્લિમ નામે આધારકાર્ડ બનાવી આપતા હતા

આમોદના કાંકરિયા ગામના ગરીબ પરિવારોને જર, જમીન અને જોરૂની લાલચ આપી 37 કુટુંબના 100 લોકોને મુસ્લિમ ધર્મ અંગિકાર કરાવ્યો હોવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. આમોદ પોલીસમાં ફરિયાદ નોંધાવનારા જાગૃત નાગરિકને ષડયંત્રકારી ટોળકીના સાગરિતો દ્વારા ધાક-ધમકીઓ આપવામાં આવી રહી છે. છેલ્લાં ઘણા વર્ષોથી ગામમાં એકલ-દોકલ લોકોનું ધર્માંતરણ કરાવાતું હોવાનું અને છેલ્લાં 5-6 વર્ષથી પ્રવૃત્તિ વધુ તેજ બની હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ગામના લોકોને ઇકો કારમાં સૂરત લઇ જઇ તેમના મુસ્લિમ નામો સાથે આધારકાર્ડ બનાવી આપવામાં આવતાં હોવાની વિગતો પણ સામે આવી છે. બીજી તરફ પોલીસે 9 આરોપીઓ પૈકી 4ની અટકાયત કરી તેમની પુછપરછ હાથ ધરી છે..​​​​

યુપીના ધર્માંતરણના સ્ફોટક પ્રકરણના તણખા વડોદરા બાદ ભરૂચના નબીપુર અને હવે આમોદ સુધી પડ્યાં હોવાનું જણાઇ રહ્યું છે. આમોદના કાકરિયા ગામના 37 પરિવારના 100 લોકોને ઘર, મકાન, રાશન તેમજ બીજા લગ્ન સહિતની લાલચો આપી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરાવાયુ હોવાના બનાવમાં એક જાગૃત નાગરિકે 9 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. એક તરફ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ત્યારે બીજી તરફ ફરિયાદ કરનાર યુવાનને આરોપીઓના મળતિયાઓ દ્વારા ધાકધમકીઓ આપવામાં આવી રહી છે. ગામના સરપંચે જણાવ્યું હતું કે, લાંબા સમયથી ગામમાં ધર્માંતરણની ગેરપ્રવૃત્તિ ચાલી રહી હતી. પોલીસે મામલામાં હાલમાં 4 લોકોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. ત્યારે આરોપીઓએ અન્ય કોઇ ગામોમાં પણ આ પ્રકારની ગેરપ્રવૃત્તિ કરી છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે.

ષડયંત્રકારીઓના બહેકાવામાં આવીને મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યાં બાદ જાગૃત નાગરિકે પુન: હિન્દુ ધર્મ અપનાવી લીધો હતો. અને ગેરકાયદે કૃત્ય અંગે તેણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે, ધર્મપરિવર્તન કરાવતી ટોળકી થોડા થોડા સમયે ઇકો કારમાં ગામના 5-7 લોકોને સુરત લઇ જતાં હતાં. જ્યાં તેમના મુસ્લિમ નામ સાથેના આધારકાર્ડ બનાવી આપવામાં આવતાં હતાં.

આ મુદ્દે ઘણા સમયથી અમે અરજી કરીએ છીએ
અમારા ગામમાં કેટલાંક શખ્સો દ્વારા ધર્માંતરણ કરાવવાની ગેરપ્રવૃત્તિ કરાઇ રહી છે. જે અંગે અમે અગાઉ અનેક અરજીઓ કરી છે. ઘણા સમયથી આ ષડયંત્ર ચાલી રહ્યું હતું. જોકે, છેલ્લાં 5-6 વર્ષમાં તે વધુ તેજ બન્યું હતું. ધર્માંતરણ કરનારાઓ ફરિયાદ આપવા માટે ખચકાતાં હોઇ હજી સુધી ફરિયાદ થઇ ન હતી. > રાજુ વસાવા, સરપંચ, કાકરિયા.

92ના રમખાણોમાં કટ્ટરવાદીઓને લોકોએ ખદેડ્યાં હતાં
આમોદ શહેરથી માત્ર 4 કિમી દુર કાકરિયા ગામે આવેલું છે. વર્ષ 1992માં સમગ્ર ગામ હિન્દુ સમાજનું હતું. રમખાણમાં આમોદના કેટલાક હિન્દુઓ સ્વબચાવ માટે કાકરિયા ગામમાં દોડી ગયાં હતાં. તે વેળાં આદિવાસી બાહુલ વસ્તી ધરાવતાં કાકરિયા ગામના આદિવાસીઓ અને મહિલાઓએ માત્ર ગોફણ, ગુલેર અને લાકડીથી લઘુમતી ટોળાને ત્યાંથી ખદેડી મુક્યાં હતાં. જેથી ગામના લોકોનું ધર્માંતરણ કરાવવાનું કાવતરૂ રચાયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...