દિવ્યાંગ દિવસની ઉજવણી:ભરૂચ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ, 83 દિવ્યાંગ બાળકોને રૂ. 8 લાખ 30 હજારનો ચેક અર્પણ કરાયો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા યુડી આઈડી કાર્ડ મળી રહે તે હેતુથી કેમ્પનું આયોજન કરાયું
  • સમાજ સુરક્ષા અધિકારીએ દિવ્યાંગો માટેની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી
  • અદાણી કંપનીએ ઉપસ્થિત દિવ્યાંગ લાભાર્થીઓ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી

ભરૂચ ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત "વિશ્વ દિવ્યાંગ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. અસ્મીતા વિકાસ કેન્દ્ર, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજે શુક્રવારના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના દિવ્યાંગ ભાઈ-બહેનોને દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા યુડી આઈડી કાર્ડ મળી રહે તે હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય.મંડોરી, સિવિલ સર્જન એસ.આર.પટેલ, અસ્મિતાના પ્રમુખ યશવંતભાઈ, મેનેજિંગ ટ્સ્ટી સમીરભાઈ, શ્રીમતી ઉષા મિશ્રા (એચઆરહેડ, અદાણી, દહેજ) તથા મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સમાજ સુરક્ષા અધિકારી મંડોરી દ્વારા "વિશ્વ દિવ્યાંગ દિન"ની સર્વેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે દિવ્યાંગ ભાઈ-બહેનોને સરકાર દ્વારા સમાજ સુરક્ષા વિભાગ તરફથી મળતી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી અને દરેક યોજનાઓનો બહોળો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આજે શુક્રવારે દિવ્યાંગ દિન નિમિતે જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા 83 દિવ્યાંગ બાળકોને રૂ. 10 હજાર લેખે રૂ. 8 લાખ 30 હજારનો ચેક સમાજ સુરક્ષા અધિકારી દ્વારા સંસ્થાના પ્રમુખ, મંત્રીને અર્પણ કરાયો હતો. અદાણી કંપની દહેજ દ્વારા આજે ઉપસ્થિત દિવ્યાંગ લાભાર્થીઓ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લામાંથી વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થી ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં કાર્યક્રમનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...